સુરત લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે કાર્યવાહી થશે
- સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયુ
- નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે ફોર્જરીનો ગુનો દાખલ થશે
- કુંભાણી સામે આરઓ તરફથી કોઈ કાયદાકીય પગલાં લેવાયા નથી
સુરત લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે કાર્યવાહી થશે. જેમાં ખોટી સહીઓ બાબતે કુંભાણી સામે RO દ્વારા કાર્યવાહી થશે. RO દ્વારા સુરતના કિસ્સામાં કાચું કપાયાનો એકરાર કરાયો છે. રાહુલ ગાંધીને નપુંસક કહેનારા વિસાવદરના MLAના કિસ્સામાં ROના રિપોર્ટને આધારે કાર્યવાહી થશે. નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે ફોર્જરીનો ગુનો દાખલ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં જાણો કેટલા કરોડની પ્રતિબંધિત ચીજો પકડાઈ
સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયુ
સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવાના કિસ્સામાં સ્થાનિક કલેક્ટર- રિટર્નિગ ઑફિસર ગૌરાંગ મકવાણા દ્વારા કાચું કપાયાની કબૂલાત કરતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ મંગળવારે ગાંધીનગર ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં મીડિયા દ્વારા વરસેલી પ્રશ્નોની ઝડીના સંદર્ભમાં જાહેર કર્યું છે કે, કોંગ્રેસના સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીના ત્રણ સમર્થકોએ પોતાની સહીઓ કુંભાણીના ઉમેદવારીપત્રમાં ખોટી દર્શાવાઈ હોવાનું એેફિડેવિટ ઉપર જણાવ્યું છે ત્યારે નીલેશ કુંભાણી સામે ખોટી સહીઓ રજૂ કરવા બાબતે ફોર્જરીનો ગુનો બને છે, પણ આરઓ તરફથી કોઈ કાયદાકીય પગલાં લેવાયા નથી એ સંજોગોમાં ચૂંટણીપંચ આ બાબતે રિટર્નિગ ઑફિસરનો ખુલાસો માગશે અને નીલેશ કુંભાણી સામે કાર્યવાહી પણ થશે, અલબત્ત આ કિસ્સામાં જે પણ કાર્યવાહી કરવાની થશે તે આરઓ દ્વારા જ થશે, એમ પી. ભારતીએ જણાવ્યું હતું. એમણે એ પણ કબૂલ્યું હતું કે, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજયી ઘોષિત કરતાં પહેલાં નીલેશ કુંભાણી સામે કાર્યવાહી કરવાની જરૂર હતી તે કાર્યવાહી આરઓ દ્વારા થઈ નથી.
ભૂપત ભાયાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે ટીપ્પ્ણી કરી
પોલીસ તંત્રના ચૂંટણી માટેના નોડલ ઑફિસર- ડીજી-કાયદો-વ્યવસ્થા શમશેરસિંઘે પણ જણાવ્યું હતું કે, દસ્તાવેજમાં ખોટી સહીના મામલામાં આઇપીસી 465થી 471 સુધી કલમોની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ભળેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નપુંસક તરીકે કરેલા ઉલ્લેખ બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, આ મામલામાં સ્થાનિક આરઓનો રિપોર્ટ મગાવ્યા બાદ જે કંઈ કાર્યવાહી કરવાની હશે તે થશે.