મેહુલ બોઘરાના સમર્થનમાં વકીલોની મહારેલી
સુરતના વકીલો આજે બુધવારે કોર્ટની બહાર રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગયા અઠવાડિયે વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા કરાયેલા જીવલેણ હુમલા સામે વકીલોએ રોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટની બહાર માનવ સાંકળ રચીને વકીલોએ મહારેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.
વકીલોએ કલેક્ટર કચેરીના પરિસરમાં સાજન ભરવાડના નામના છાજિયાં લીધા હતા. ત્યાર બાદ સુરત જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપી સાજન ભરવાડ સામે ઝડપથી ચાર્જશીટ દાખલ કરી સજા કરી વકીલ મેહુલ બોઘરાને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરાઈ હતી.
સુરત ટ્રાફિક પોલીસમાં માનદ સેવા બજાવતા ટીઆરબી જવાનોની દાદાગીરી ખૂબ વધી ગઈ છે. રસ્તા આડે ઉભા રહીને લોકો પાસે દંડના બહાને રૂપિયા વસૂલી ટીઆરબી ભ્રષ્ટ્રાચાર કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં સુરત શહેર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નહોતી, દરમિયાન ગયા અઠવાડિયે સરથાણા કેનાલ રોડ પર સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ટીઆરબીના ભ્રષ્ટ્રાચારનો લાઈવ વીડિયો ઉતારી રહ્યાં હતાં ત્યારે ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડે લાકડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલ બોઘરાને માથામાં ઈજા થઈ હતી.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ખાસ કરીને સુરતની વકીલ આલમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. પ્રજા ન્યાય માટે પોલીસ અને વકીલો પર આધાર રાખતી હોય છે, ત્યારે વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના કૃત્યના લીધે આજે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા શરમમાં મુકાયા છે. આજે સુરતના વકીલોના બે સંગઠનોએ એકજૂટ થઈ એકસાથે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવીને સુરત શહેરની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા હુમલાખોર આરોપી સાજન ભરવાડ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દુ:ખ એ વાતનું છે કે કોર્ટમાં કાયદાના માધ્યમથી લોકોને ન્યાય અપાવનારા વકીલોએ ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડ્યું હતું.
મેહુલ બોઘરાના સમર્થનમાં સુરતના વકીલોની મહારેલી
સાજન ભરવાડના નામના છાજિયાં લીધા#mehulboghara #MehulBogharacase #Surat #suratnews #Advocate #rally #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/3SZ4pr5ceY
— Hum Dekhenge News (@humdekhengenews) August 24, 2022
આજે બપોરે સુરતના વકીલો કોર્ટના પરિસરમાં ભેગા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી તરફ નીકળ્યા હતા. રેલીએ કલેક્ટર કચેરી પહોંચતા પહોંચતા મહારેલીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માનવ સાંકળ બનાવીને વકીલો રેલીમાં જોડાયા હતા. કલેક્ટર કચેરી પર પહોંચીને વકીલોએ સાજન ભરવાડના નામના છાજિયાં લીધા હતા. સાજન ભરવાડ હાય હાય.. અને વકીલ એકતા ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ સુરતના આગેવાન વકીલોએ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરને આવેદન પત્ર આપ્યું હતું. વકીલોએ સાજન ભરવાડ વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા વિનંતી કરી હતી.