સુરત : લક્ઝરી બસો બંધ થતા કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કરી આ માંગ
ધારાસભ્ય કુમાર કાનાણી અને લક્ઝરી બસ ઓપરેટરો વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. કુમાર કાનાણીના પત્ર બાદ સુરતમાં બસ ઓપરેટરોએ આજથી એક પણ બસ સુરતમાં પ્રવેશે નહી તેવો નિર્ણય લીધો હતો . જેના કારણે સુરતના લોકોને બહાર જવા માટે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે હવે કુમાર કાનાણીએ આ મુદ્દે વધુ એક લેટર લખ્યો છે.
કાનાણી અને લક્ઝરી બસ સંચાલકો આમને-સામને
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. જે બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતુ અને પ્રતિબંધિત સમયમાં લક્ઝરી બસ પ્રવેશ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારે કુમાર કાનાણીના આ પત્ર બાદ ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસ સંચાલકોએ સુરતમાં એક પણ પ્રવેશ નહી કરવાનો નિર્ણય લીધો હતો. જેથી લક્ઝરી બસ સંચાલકોએ એક મીટીંગ કરી હતી અને તેમાં તેઓએ સુરત શહેરમાં મુસાફરોને ભરવા પણ આવશે નહીં તેમજ તમામ બસ સુરત શહેર બહાર લસકાણા વાલક પાટીયા પાસે ઉભી રાખવામાં આવશે અને ત્યાંથી બધી બસો ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે તે પ્રકારનો નિર્ણય લીધો હતો.
જાણો કાનાણીએ પત્રમાં શું લખ્યું
ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સુરત શહેરમાં કતારગામ, વારાછા, પુણા વિસ્તારમાંથી સરકારી સ્લીપિંગ S.T બસ ચાલુ કરાવવાની માંગ કરી છે. કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, ‘સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,કચ્છથી લાખો લોકો ધંધાર્થે આવતા હોય છે. અને તેઓએ વતનમાં આવવા-જવા માટે પ્રાઈવેટ લક્ઝરી બસનો આધાર લેવો પડતો હોય છે. અને પ્રાઈવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં મનમાની કરવામાં આવતી હોય છે. તો લોકોની માંગણી છે કે પ્રાઈવેટ બસોના રૃટોનો સર્વે કરીને તે જ રૃટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરુ કરવી જોઈએ, એવી મારી માંગણી અને વિનંતી છે. ‘
આ પણ વાંચો : વડોદરા અને ખેડા જિલ્લામાં નવા ભાજપ પ્રમુખની નિમણૂક, જાણો કોને સોપાયું પદ