સુરત જ્વેલેરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને 1 કિમી લાંબો રાષ્ટ્રધ્વજ રાખી ત્રિરંગા પદયાત્રા યોજી
ડાયમંડ સીટી સુરત ત્રિરંગાના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. રવિવારે સુરત જ્વેલેરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આઝાદીના 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ” આઝાદી કા અમૃત મહોત્સવ” તથા ” હર ઘર તિરંગા” અભિયાન હેઠળ “શાન ए तिरंगा” પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રામાં લગભગ 40 જેટલી જ્વેલેરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓના 1500 થી 2,000 જેટલા કર્મચારીઓએ સાંકળ બનાવી 1કિમી લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ બોરડા ફેબ્રીક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા હીરાબાગ સર્કલથી સરદારચોક મિનિબજાર ખાતે પુર્ણ થઈ હતી.
આ યાત્રામાં સુરત શહેરના મેયર હેમાલિબેન બોઘાવાલા તેમજ સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી અને જેમ્સ & જ્વેલેરી ઇન્ડસ્ટ્રી અને સમાજના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. દેશભક્તિના કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ પણ જોડાઈ હતી જેમકે, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, સુરત ડાયમંડ એસોસિએશન, ફોગવા સહિતની સંસ્થા સહભાગી બની હતી.
આ પણ વાંચો : સચીન GIDC માં ઉદ્યોગકારોની ત્રિરંગા યાત્રામાં ફાયરની ટીમ પણ જોડાઈ