સુરતમાં હિટ એન્ડ રન, કાર ચાલકે છ લોકોને અડફેટે લીધાં, બેનું ઘટના સ્થળે મૃત્યુ
- ગાડી જે વાહન સાથે અથડાઈ તેનો ભૂકો બોલાઈ ગયો
- અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી
- ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી
ગુજરાતના સુરતમાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ગાડી જે વાહન સાથે અથડાઈ તેનો ભૂકો બોલાઈ ગયો
આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો.
આ પણ વાંચો: મહાકુંભ રેલવેને ફળ્યો, અમદાવાદ ડિવિઝનની આવક જાણી રહેશો દંગ