સુરત : મેગા રોડ શો થી હીરાનગરી બની ગઈ મોદીમય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાનગરી સુરત આવી પહોંચ્યા હતા. તેમણે અંદાજે 30 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. જેમાં આઠ વિધાનસભા બેઠકને તેઓએ આવરી લીધી હતી. તેમણે લાખો લોકોનું અભિવાદન જીલ્યું હતું. આ રોડ શો ને કારણે સુરત મોદીમય બની ગયું હતું.
રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો
સુરતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા સુધી રોડ મારફતે ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રીના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રીના રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરતમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. રસ્તાની બન્ને તરફ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને કારણે વડાપ્રધાન પોતાની કારમાં બેસી રહેવાની જગ્યાએ કારનો દરવાજો ખોલીને સાઈડમાં ઉભા રહી ગયા હતાં. તથા લોકોનું અભિવાદન જીલતા જીલતા આગળ વધ્યાં હતાં. વડાપ્રધાન લોકોનો પ્રેમ જોઈને મજબૂર થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
આઠ વિધાનસભા બેઠક આવરી લેવાઈ
સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યો હતું. જેમાં વરાછા પ્રવેશ તરફ સીમાડા નાકા પાસે રૂટ રોડ પર 3 કિમી સુધી બેરિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આશરે 30 કિલોમીટરનો રૂટ 8 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 ચૂંટણીમાં સુરત શહેરની 12 પૈકી તમામ બેઠકો ભાજપે જીતી હતી, જિલ્લાની 4 પૈકી 3 ભાજપ અને 1 કોંગ્રેસે જીતી હતી.