ગુજરાતટોપ ન્યૂઝ

મૈત્રી કરાર બાદ સાથે રહેતી યુવતીને બળજબરીથી પરિવાર લઈ ગયો, યુવકે અપહરણનો આરોપ લગાવ્યો

સુરત: શહેરના લસકાણા વિસ્તારમાં પ્રેમસંબંધને લઈને હંગામાખોર ઘટના સામે આવી છે. એક યુવતીને તેના પરિવારજનો દ્વારા બળજબરીપૂર્વક કારમાં બેસાડી લઈ જવામાં આવી હોવાનો આરોપ છે. આ દરમિયાન યુવતીને બચાવવાનો પ્રયાસ કરનાર યુવક અને તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

બાળપણની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ, પછી મૈત્રી કરાર

મળતી માહિતી મુજબ લસકાણા વિસ્તારમાં રહેતો યુવક અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની યુવતી લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. સ્કૂલકાળથી શરૂ થયેલી મિત્રતા સમય જતાં પ્રેમસંબંધમાં પરિણમી હતી. બંનેએ પરસ્પર સંમતિથી ગત જૂન મહિનામાં મૈત્રી કરાર કર્યો હતો, ત્યારબાદ યુવતી યુવકના પરિવાર સાથે રહેવા આવી હતી.

થોડા દિવસો બાદ બંને લસકાણા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા, જ્યાં યુવતીએ પોતાના પરિવારની હાજરીમાં સ્વેચ્છાએ યુવક સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં નિવેદન નોંધાવ્યું હોવાનું યુવકનો દાવો છે.

પરિવારજનો ઘરમાં ઘૂસ્યા, યુવતીને ખેંચીને લઈ ગયા

યુવકના જણાવ્યા અનુસાર, 17 જુલાઈના રોજ યુવતીના માતા-પિતા સહિત 10થી વધુ લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ ઘરમાં જ ભારે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે પરિવારજનો યુવતીને બળજબરીથી બહાર લઈ જવા લાગ્યા હતા.

યુવતી જવા તૈયાર ન હોવાથી તેને ઢસડીને બહાર લાવવામાં આવી હતી. એક સમયે યુવતી તેમની પકડમાંથી છટકી ફરી ઘર તરફ દોડી હતી, પરંતુ ફરીથી તેને પકડીને વાળ ખેંચી કારમાં બેસાડી દેવામાં આવી હતી.

માતા-પુત્ર પર હુમલાના આક્ષેપ

યુવક અને તેની માતાએ યુવતીને બચાવવાનો પ્રયાસ કરતાં તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાનો હોબાળો સાંભળીને આસપાસના રહેવાસીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારજનો યુવતીને કારમાં બેસાડીને ત્યાંથી નીકળી ગયા હતા.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં યુવતીને બળજબરીથી કાર તરફ લઈ જવામાં આવતી હોવાનો દૃશ્ય દેખાતો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે.

યુવકે પોલીસ પાસે કરી કાર્યવાહી કરવાની માંગ

ઘટના બાદ યુવકે લસકાણા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે. તેણે જણાવ્યું છે કે યુવતી અગાઉ પોલીસ સમક્ષ પોતાની મરજીથી તેની સાથે રહેવાની વાત કરી ચૂકી છે. હવે તેને પરિવારજનો ક્યાં રાખી રહ્યા છે તેની કોઈ માહિતી નથી.

યુવકે માંગ કરી છે કે પોલીસ યુવતીને પોતાની સામે રજૂ કરે અને તેની સ્વતંત્ર રીતે પૂછપરછ કરવામાં આવે. જો યુવતી પોતાની ઇચ્છાથી પરિવાર સાથે રહેવા માંગતી હોય તો તેને કોઈ વાંધો નથી, પરંતુ તેના પર કોઈ દબાણ ન હોવું જોઈએ અને નિર્ણય સંપૂર્ણપણે તેની સ્વતંત્ર ઇચ્છા મુજબ લેવો જોઈએ.

પોલીસ તપાસ ચાલુ

આ સમગ્ર મામલે લસકાણા પોલીસનું કહેવું છે કે ફરિયાદ અને વાયરલ થયેલા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી

Back to top button