સુરત :આજથી રૂ.25માં BRTS અને સીટીબસમાં ફરી શકશો આખું શહેર, કેવી રીતે લેશો લાભ ?
સુરત મહાપાલિકા દ્વારા આજથી ‘સુમન પ્રવાસ ટિકિટ’ શરૂ થવા જઈ રહી છે. જેમાં માત્ર 25 રૂપિયાની સુમન પ્રવાસ ટિકિટ અંતર્ગત યાત્રી આખા શહેરમાં આખો દિવસ મુક્ત મને મનપસંદ રૂટ ઉપર આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશે. બે માસ અગાઉ સુરત સિટિલિંક પ્રા.લિ.ની બોર્ડમાં લેવાયેલા નિર્ણય અનુસાર 21 જુલાઇને ગુરુવારથી શરૂઆત થવા જઇ રહી છે.
ગમે ત્યાં કરી શકશે પ્રવાસ
હાલમાં સુરત પાલિકા BRTSના 13 જેટલા રૂટ ઉપર 134 બસો દોડાવી રહી છે. તો શહેરના વિવિધ વિસ્તારોને સાંકળી લઇ અલગ અલગ 45 રૂટ ઉપર 575 સિટી બસ દોડી રહી છે. તે ઉપરાંત 58 જેટલી ઈલેક્ટ્રિક બસોમાં પણ પ્રતિદિન હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે. પ્રતિદિન 2.30 લાખ લોકો સુરત પાલિકાની બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. પ્રતિદિન નોકરી-ધંધા અર્થે સુરત આવી રહેલા લોકોને સરળ ટ્રાન્સ્પોર્ટેશન મળી રહે તે માટે પાલિકા દ્વારા ગુરુવારથી 25 રૂપિયામાં અનલિમિટેડ સફરની પ્રવાસ કરી શકશે. જેની ટિકિટને પાલિકા દ્વારા ‘સુમન પ્રવાસ ટિકિટ’ નામ અપાયું છે.
વિદ્યાર્થીઓ, વયસ્કો તથા શ્રમિકોને સીધો લાભ
સુરત દેશનું એકમાત્ર શહેર છે જ્યાં સિંગલ ટિકિટ ઉપર સિટી બસ અને BRTS બસમાં મુસાફરી કરી શકાય છે. પાલિકા દ્વારા હાલ ‘સરલ પાસ’ યોજના અંતર્ગત અનલિમિટેડ ટ્રાવેલ પ્રિપેઇડ કાર્ડની સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન તથા શ્રમિકોને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
ત્રણ માસ માટે પ્રાયોગિક ધોરણે સેવા શરૂ
પાલિકા દ્વારા આગામી ત્રણ માસ માટે પ્રાયોગિક ધોરણે આ સેવા શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ત્રણ માસના ટ્રાયલ એન્ડ રન પ્રોગ્રામ દરમિયાન સેવાના વધુ સરળીકરણ માટે કેટલાક આવશ્યક ફેરફાર કરવામાં આવી શકે છે. ટિકિટના દર, બસની રાઇડરશિપમાં થનારા ફેરફાર સહિતની બાબતોને ધ્યાનમાં લઇ સિંગલ ટિકિટ અનલિમિટેડ મુસાફરી સેવાને આગળ વધારવામાં આવશે.