સુરત : 11 વીર શહીદ જવાનોના પરિવારોને અપાશે સન્માન સાથે રૂ. 22 લાખની સહાય
સુરત : જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 11 વીર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂ. 22 લાખ અર્પણ થશે. કારગીલ વિજય દિવસે વિવિધ કાર્યક્રમોમાં વીરજવાનોને ભાવાંજલિ અને પરિવારોનું ઠેર-ઠેર સ્વાગત સન્માન થશે. 26 જુલાઈ કારગીલ વિજય દિવસે પુષ્પાંજલિ 9.30 થી સરથાણાથી સૌરાષ્ટ્ર ભવન સુધી ત્રિરંગા યાત્રા નીકળશે. રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી ત્રિરંગા યાત્રાનુ આયોજન છે. જેમાં જવાનોના પરિવારોનું ઠેરઠેર અભિવાદન થશે. સૌરાષ્ટ્ર ભવન ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત તરફથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરી વીર જવાનોને ભાવાંજલિ અપાશે.
આ વર્ષે વિશેષ વીર જવાનોને ભાવાંજલિ આપવા અને 28 ચિત્રકારો ચિત્રો દોરશે જેની જે આવક થશે તે જવાનોના પરિવારો માટે આપવામાં આવશે. રાત્રે આયોજિત કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને મુખ્ય મહેમાન રાજ્યના આઈ.જી સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં 11 વીર શહીદોના પરિવારોને અભિવાદન સાથે કુલ 22 લાખ રૂપિયાથી વધુ સહાય અર્પણ થશે. દર વર્ષે કારગીલ વિજયદિને વીર જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે 22 પરિવારોને સહાય આપવા નક્કી કર્યું હતું. તેમાંથી ૧૧ પરિવારોને તેમના વતન જઈ સન્માન અને 11 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. 11 પરિવારો કારગીલ વિજય દિવસે સુરત આમંત્રિત થયા છે. તેમને 22 લાખ સહાય અર્પણ થશે તે સાથે આ વર્ષે આપવાનો કુલ ૩૫ લાખ સહાય અર્પણ કરવાનો નિર્ધાર છે. તે માટે રાષ્ટ્રપ્રેમી જનતા તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે. બાળકો, શાળાઓ તથા વ્યક્તિગત અને કંપનીઓ તરફથી સ્વયમભૂ દાન આપ્યું શરૂ થયો છે. કાર્યક્રમ પૂરો થશે તે પહેલા ૩૫ લાખથી વધુ રકમ એકત્ર થઈ જવાનો અંદાજ છે.
ખોલવડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકીલાબેન મજેઠીયા તરફથી આ વર્ષે રૂ. પાંચ લાખ જવાનોના પરિવાર માટે પ્રાપ્ત થયા છે. વિજયાબેન કોકરા અને તેની સાથેના “ શહાદત કે ત્રુણી ” ગ્રુપ તરફથી રૂ. બે લાખ આપવામાં આવશે. ઉપરાંત ૭૦ વર્ષીય યુગલ ચંપાબેન તથા રણજીત રાય પેસ્ટીવાલા રૂ. ૧ લાખનો ચેક પ્રાપ્ત થયો છે. તે ઉપરાંત દરેક પરિવારને રૂ. ૨૫ હજાર ની સહાય આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ તરફથી આપવામાં આવશે. જે શાળાઓ પરિવારોનુ સન્માન કરવાની છે. તે દરેક શાળાઓએ સંસ્થાને રૂ. ૫૧-૫૧ હજાર નુ દાન આપ્યું છે. અનેક સેવા ભાવી મહાનુભાવો અને સંસ્થા તરફથી ૫૧ હજાર અને ૧ લાખ સુધીના દાન પ્રાપ્ત થયા છે. રૂ. ૧૦૦ થી રૂ. ૫ લાખ સુધીના દાનનો પ્રવાહ શરૂ છે.
ભાવનગર ખાતે ૩ જવાનોના પરિવારોને સન્માનિત કરી સહાય અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. સુરતથી ૭ ટીમો ૧૮ પરિવારોને મળી હતી. આ પૈકી એક ટીમ ભાવનગર પહોંચી ત્યારે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના કેમ્પસમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી એક એક લાખ અને ગોવિંદભાઈ એલ. કાકડિયા તરફથી પણ એક એક લાખ રૂપિયાની સહાય પરિવારોને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હીરાઉધોગના અગ્રણી અને સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનના પ્રમુખ ગોવિંદભાઈ કાકડિયા પાટણવાળા તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ભાવનગર ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમાં ભણતા કે ભૂતકાળમાં ભણેલા હોય તે તમામ પૈકી કોઈ પણ વિદ્યાર્થી રાષ્ટ્રની સેવા માટે સેનામાં જોડાશે તો તેમના તરફથી તેમને રૂપિયા ૧ લાખનો પુરસ્કાર આપવામાં આવશે.
કારગીલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી માટે શહેરની ૭ શાળાઓમાં ૭ શહીદ જવાનોના પરિવારોનું અભિવાદન થશે. પ્રેસીડન્સી સ્કૂલ, રામકૃષ્ણ વિદ્યાભવન, એલ.પી.ડી. વિદ્યાલય, ન.પ્રા. શાળા ક્રમાંક ૧૬ નાના વરાછા, શારદા વિદ્યાલય સનગ્રેસ વિદ્યાલય, ઉધના અને ઇન્નરવ્હીલ ક્લબ ઓફ સુરતમાં બાળકો અને બહેનોની ઉપસ્થિતિમાં શહીદોને ભાવાંજલી તથા પરિવારને સન્માન અને સહાય અર્પણ કરવામાં આવશે.
સુરતના કર્નલ દેવલ સુભાષભાઈ દીક્ષિત હાલ નાગાલેન્ડ સરહદે ફરજ ઉપર છે તેમના માતૃશ્રીનુ અને સુરતનો યુવાન હાર્દિક ધાનાણી આજે ૮૧ આર્મડ કોરમાં સિપાહી છે. તેના માતા પિતાનું પણ અભિવાદન કરવામાં આવશે. લેહમાં ૮૧ આર્મડ કોરના મેજર નિતેષ તહલરામાણીના માતા પિતા પણ હાજર રહેશે.
૧૯૯૯ના કારગીલ યુધ્ધના હીરો અને મહાવીર ચક્રથી સન્માનિત કોબ્રા કમાન્ડો દીગેન્દ્રકુમાર યાદવ કાર્યક્રમમાં ખાસ અતિથી છે. તેમણે કારગીલ યુધ્ધમાં બહાદુરીપૂર્વક લડીને પાકિસ્તાનના ૩૭ સૈનિકોનો ખાતમો બોલાવી તોતાલીક હિલમાં કબજો મેળવી તિરંગો લહેરાવ્યો હતો તેની વીરતાભરી ગાથા કારગીલ વિજય દિને સાંભળવા મળશે.
સૌરાષ્ટ્રના ઉના પાસેના ફાડચર ગામના ખેડૂતની દીકરી નયના ધાનાણી BSFમાં જવાન તરીકે શામેલ થઇ છે. ગામડાની આ દીકરી પહેલા BSF માં કમાન્ડો બની અને તાજેતરમાં તે નેશનલ સિક્યુરીટી ગાર્ડ એટલે કે NSG કમાન્ડો બની મહિલા તરીકે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે. કારગીલ વિજય દિને સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક સુરત તરફથી રક્તદાન અને કલા સંસ્થાના ચિત્રકારો કારગીલ વિજયના થિમ પર ચિત્રો બનાવશે. આ ચિત્રોની હરાજી થશે અને જે રકમ આવશે તે વીર જવાનોના પરિવાર માટે આપવામાં આવશે.