જીએસટી અને કોરોનાકાળા બાદ સુરતનો હીરા ઉદ્યોગ માંડ બેઠો થઈ રહ્યો હતો ત્યાં વળી રશિયા યુક્રેન યુદ્ધને કારણે કાચા માલની આયાત અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં અવરોધ ઉભો થયો. મહામહેનતે પરિસ્થિતીને થાળે પાડવા મથતા હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. કારણ કે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હીરા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. મંદીના વાતાવરણમાં હીરા પેઢીઓના કામને અસર ન થાય તે માટે હવે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢશે.
હીરા ઉદ્યોગમાં મશીનરીનો વ્યાપક ઉપયોગ
સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે પ્રગતિ થઈ રહી છે. કટ એન્ડ પોલિશ્ડમાં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ થતો હોય છે. ઝડપથી અને ચોક્કસાઈ પૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મીલાવી ટેક્નોલોજી સહિત મશીનરીઓ વસાવતી થઈ છે. બીજી તરફ છેલ્લાં દોઢ મહિનાથી શહેરના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રો-મટીરીયલ્સની શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે.
ડચકા ખાતા હીરા ઉદ્યોગ માથે નવી મુસિબત
નાની મોટી સહિત મોટા ભાગની હીરા પેઢીઓ ડચકાં ખાઈ રહી છે. ત્યારે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ શહેરની 200થી વધારે હીરા પેઢીઓ પર કોપીરાઈટનો કેસ કર્યો છે. એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી તરફ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓ સીલ કરાવી દીધી છે.જેને લઈને રોજગારીને અસર પડવાની સંભાવના છે. જેથી ડાયમંડ એસોસિએશન હવે તમામ હીરા પેઢીઓ સાથે બેઠક કરી વચલો રસ્તો કાઢશે. જેના માટે આગામી સોમવારના રોજ 200 હીરા પેઢીના આગેવાનો સાથે મીટિંગ કરશે, ત્યાર બાદ આગળની રણનીતિ તૈયાર કરાશે.