સુરત: બેંક અને સહકારી મંડળીઓના સહયોગથી 300થી વધુ નાગરિકોને લોનસહાયના ચેકોનું વિતરણ
સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા જરૂરિયાતમંદ નાગરિકો સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવાના આ નવતર અભિગમના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા જરૂરતમંદ નાગરિકો અને વિવિધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઓ, સહકારી અને જાહેર બેંકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી રૂ.10 હજારથી લઈ રૂ. 3.50 લાખ સુધીની લોનસહાય મંજૂર કરવામાં આવી હતી.
300થી વધુ લાભાર્થીઓને લોનસહાયના ચેકોનું વિતરણ
આ નવતર પહેલના ભાગરૂપે 300થી વધુ લાભાર્થીઓને લોનસહાયના ચેકોનું વિતરણ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ,અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહ- ‘વ્યાજખોરીના દુષણની નાબૂદી અમારો સંકલ્પ’માં કરવામાં આવ્યું હતું.
રેલ્વે રાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરીને બીરદાવી
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી બેંકોની નાણાકીય કામગીરી પ્રશંસાને પાત્ર છે. સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ સામાજિક જવાબદારીરૂપ જરૂરતમંદોને લોનસહાય પૂરી પાડવાની આ સંવેદનશીલ પહેલ દરેક શહેરો માટે અનુકરણીય છે. આમ નાગરિકો સાથે વિશ્વસનીયતાનો સેતુ બાંધી પોલીસની ઈમેજ બદલવામાં મોટું યોગદાન પૂરૂ પાડ્યું છે, એમ જણાવી પોલીસની સમાજલક્ષી કામગીરીને બિરદાવી હતી.
લોનના પૈસા સમયસર પરત કરવા અનુરોધ
આ અવસરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત પોલીસે શ્રેષ્ઠ કામગીરી થકી સુરતને વધુ સુરક્ષિત અને સલામતીનું વાતાવરણ નિર્માણ કરવા સાથે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. સામાન્ય રીતે ગુનાખોરી અટકાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત રહે છે, પરંતુ સુરત પોલીસે ક્રાઇમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે, ત્યારે બેંક પાસેથી મેળવેલી લોનના નાણા બેંકને સમયસર પરત કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનો સાંસદએ સર્વે લોનધારકોને અનુરોધ કર્યો હતો.
એક મહિનામાં વ્યાજખોરીના 847 કેસો નોંધાયા
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાંથી વ્યાજખોરોને પાઠ ભણાવવાની ઝુંબેશ ચલાવી મહાનગરો, નગરો અને ગામડાઓ સુધી વ્યાજખોરો વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. નાની-મોટી નાણાભીડમાં વ્યાજે પૈસા લેતા અને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા સેંકડો ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને વ્યાજના વિષધરોને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને સામાન્ય માણસ મજબુરીના કારણે વ્યાજે રૂપિયા લઇ વ્યાજના દુષણમાં ફસાઇ જતા પોતાની માલમિલકત ગીરવી મૂકી દેતા હોય છે, ત્યારે આવા પીડિત નાગરિકોને મુક્ત કરવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં વ્યાજખોરીના 847 કેસો નોંધી1000થી વધુ લોકોને વ્યાજના દુષણમાંથી મુક્ત કરાયા છે. અને સુરત પોલીસે માનવીય સંવેદનાથી વ્યાજખોરીની સમસ્યાનું નિરાકરણની પહેલ કરી છે. સુરત મનપાએ પણ પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ કોઈ ગેરેંટી વગર નાના-મોટા વ્યવસાયીઓ, દુકાનદારો, ફેરિયાઓને કરોડોની લોનસહાય આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
સુરત પોલીની આ પહેલ અન્ય શહેરો માટે પ્રેરણારુપ
શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, ગુનાહિત અને અસામાજિક તત્વોથી સમાજને સુરક્ષિત રાખી સલામત રાષ્ટ્રનિર્માણ કરવાની જવાબદારી પોલીસ વિભાગ નિભાવે છે. દરેક વિપરીત પરિસ્થિતિમાં નાગરિકોની સાથે રહી પોલીસ ડ્રગ્સના દૈત્યને નાથવા, બળાત્કારીઓને સજા અપાવવામાં, અનેક પ્રકારની ગુનાખોરી નાથવા કટિબદ્ધ છે, ત્યારે શહેર પોલીસની આ નવતર કામગીરી અન્ય શહેરો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
આ મહાનુભવો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત રેન્જના એડિશનલ DGP પિયુષ પટેલ, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પ્રવિણ મલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ, વિવિધ બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ, બેંકોના મેનેજરો, અધિકારીઓ, સહકારી મંડળીના અગ્રણીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.
આ પણ વાંચો : ફિલ્મના પ્રમોશન માટે તાજમહેલ પહોંચ્યા કાર્તિક અને કૃતિ, શાનદાર પોઝ સાથેના ફોટો આવ્યા સામે