સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં, સંચાલકોને કોર્ટનો 100 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ
સુરત, 9 ડિસેમ્બર 2023, શહેરમાં તાજેતરમાં જ મુંબઈની ઓફિસો બંધ કરીને 26 વેપારીઓએ ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરૂ કર્યો હતો. હવે આ ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલાં જ વિવાદમાં આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ડાયમંડ બુર્સનું ટુંક સમયમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.હવે ઉદ્ઘાટન પહેલા જ હવે હીરાબુર્સના સંચાલકોએ બાંધકામના પૈસા ન ચૂકવાતા વિવાદ થયો છે.હીરાબુર્સ ઇમારતના 538 કરોડની ચૂકવણી બાકી હોવાથી બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીએ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે ડાયમંડ બુર્સને 100 કરોડ ગેરંટી પેટે જમા કરાવવા આદેશ આપ્યો છે.
100 કરોડ રૂપિયા બેંક ગેરંટી તરીકે જમા કરાવવા હુકમ
પ્રાપ્ત વિગતો પ્રમાણે શરૂઆતના સમયમાં 5000 ચોરસફૂટના ભાવે ઓફિસ વેચનાર ડાયમંડ બુર્સે કુલ 6 જેટલી ઓફિસ હરાજી કરીને ભાવ વધારી બીજી ઓફિસો 35,000 ચોરસફૂટના ઉંચા ભાવે વેચીને અઢળક કમાણી કરી હોવાનો આક્ષેપ થયો છે. પૈસા નહીં ચૂકવાતા ના છૂટકે બાંધકામ કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુરતની કોર્ટે ડાયમંડ બુર્સને એક અઠવાડિયામાં 100 કરોડ રૂપિયા બેંક ગેરંટી તરીકે જમા કરાવવા હુકમ કર્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 16 ડિસેમ્બરે હાથ ધરાશે. બાંધકામ કરનાર કંપની દ્વારા આ કેસની માહિતી શેરહોલ્ડરોની જાણ માટે પોતાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં SGCCI ખાતે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનારનું આયોજન