ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

મ્યાનમારમાં ભયાનક તબાહી બાદ ભારત સરકારે 15 ટન રાહત સામગ્રી મોકલી

નવી દિલ્હી, 29 માર્ચ 2025: મ્યાનમારમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે આવા સમયે મદદ માટે ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મોકલી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હિંડનમાં આવેલા ભારત વાયૂસેનાના સ્ટેશન હિંડનથી ભારતીય વાયૂસેના સી-130જે વિમાનમાં સવાર થઈને મ્યાનમારને રાહત સામગ્રી મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહત પેકેજમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખાવાનો તૈયાર સામાન, વોટર પ્યૂરીફાઈયર, હાઈઝીન કીટ, સોલર લેમ્પ, જનરેટર સેટ અને પેરાસિટામોલ, એન્ટીબાયોટિક્સ, સીરિંઝ, મોજા અને પટ્ટીઓ જેવી જીવન જરુરિયાત વસ્તુઓ મોકલવામાં આવી છે.

મ્યાનમારમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા

અહીં ઉલ્લેખનિય છે કે, મ્યાનમારમાં ભૂકંપના ઘણા આંચકા અનુભવાયા હતા. આનાથી માત્ર મ્યાનમારમાં જ નહીં પરંતુ થાઇલેન્ડમાં પણ ઘણું નુકસાન થયું છે. ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. એક તરફ, જ્યારે મ્યાનમારમાં દિવસભર ભૂકંપના અનેક આંચકા અનુભવાયા, ત્યારે રાત્રે ૧૧:૫૬ વાગ્યે ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપ પણ નોંધાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, જેના કારણે તેને આફ્ટરશોક્સ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. તેનું કેન્દ્ર મ્યાનમારના મંડાલય શહેરની નજીક હતું.

થાઇલેન્ડમાં પણ તેની અસર જોવા મળી

દિવસની શરૂઆતમાં, મ્યાનમારમાં અનેક ભૂકંપ આવ્યા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો મોટો ભૂકંપ પણ સામેલ હતો. થોડીવાર પછી, 6.4 અને પછી 4.9 ની તીવ્રતાના ભૂકંપ પણ નોંધાયા. આ ભૂકંપ શુક્રવારે સવારે ૧૧:૫૦ વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપ બેંગકોક અને થાઇલેન્ડના ઘણા ભાગોમાં અનુભવાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અને સ્થાનિક મીડિયા અનુસાર, બેંગકોકમાં ધ્રુજતી ઇમારતોમાં સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ભૂકંપની તીવ્રતાને કારણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં સ્વિમિંગ પુલમાંથી પાણી વહેતું દેખાતું હતું.

પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

અગાઉ, શુક્રવારે એક પોસ્ટમાં, પીએમ મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ ઘડીમાં, ભારત બંને દેશોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે હું ચિંતિત છું. હું બધાની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે.

આ પણ વાંચો: BSNLના એક લાખ 4G ટાવર્સને 5Gમાં રૂપાંતરીત કરાશે, આત્મનિર્ભર ભારત હેઠળનું મોટુ પગલું

Back to top button