ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત : 24 લાખની હીરાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો, દેણું ચુકવવા ભાણેજે મામાની ઓફિસમાં ચોરી કરી હતી

Text To Speech

સુરતઃ સુરતના વરાછા ચોકસી બજાર ખાતે આવેલી હીરાની ઓફિસમાં 24.09 લાખના હીરાની ચોરી થઇ હતી. અજાણ્યો ઇસમ હીરા તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર એમ કુલ 24.12 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરનાર આરોપી અન્ય કોઈ નહી પરંતુ ઓફીસ માલિકનો ભાણેજ જ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ભાણેજને કાપડની દુકાનમાં થયેલા નુકસાનું દેણું ચુકવવા ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

હીરાની ઓફિસમાં થઇ હતી ચોરી
સુરતના મોટા વરાછા અબ્રામા રોડ પાસે રહેતા ભૌમિક પરબતભાઈ સોજીત્રા વરાછા મિનીબજાર પાસે આવેલા ચોકસી બજારમાં હીરાની ઓફીસ ધરાવે છે. તેઓની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. એક અજાણ્યો ઇસમ કાળા કલરના કપડાં પહેરીને તેમજ પોતાનો ચહેરો ન દેખાય તે રીતે છત્રી રાખી ઓફીસનું લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ઓફિસમાં પ્રવેશ્યો હતો. અને ઓફીસમાંથી 24.09 લાખના હીરા તેમજ ઓફિસમાં રહેલું સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ 24.12 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ સમગ્ર મામલે ભૌમિક ભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો ગુનાનો ભેદ
24 લાખના હીરાની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સીમાડા ખાતે રહેતા વિજયકુમાર મુકેશભાઈ ધડુકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 24.09 લાખના હીરા કબજે કર્યા હતા.

દેવું ચુકવવા ભાણેજે કરી હતી ચોરી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલો આરોપી ભૌમિકભાઈનો ભાણેજ થાય છે. અને તે છેલ્લા ચાર મહિનાથી હીરાનું કામકાજ શીખવા માટે તેમની ઓફીસ પર બેસતો હતો. અગાઉ આરોપી કપડાંની દુકાનના ધંધામાં નુકસાની થતા તેને દેવું થઇ ગયું હતું, ત્યારે આ દેવું ચુકવવા માટે તેણે ચોરી કરી હતી. આરોપી પાસે ઓફીસની એક ચાવી હોવાથી દેવું ચુકવવા તેણે રાત્રીના સમયે આવી પોતાનું મોઢું ના દેખાય તે રીતે ઓફીસની અંદર પ્રવેશી ટેબલના ખાનાનું લોક કાપી હીરાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button