સ્પોર્ટસ

સુરત : ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોયે’સૌથી ઓછા સમયમાં ચેસના મહોરાની બ્લાઈન્ડ ફોલ્ડેડ ગોઠવણી કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી

Text To Speech

સુરત : આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર 44 મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સુરતના 24 વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના 32 મહોરાઓને આંખે પાટા બાંધીને માત્ર ચેસ બોર્ડ પર 1.02 મિનિટમાં ગોઠવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને ચેસ સિવાયના વિવિધ ક્ષેત્રમાં પણ 7 વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.

Blind Folded Wonder Boy

આ દરમિયાન સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ, સિનીયર કોચ, ગ્રાન્ડ માસ્ટરો અને સુરતની જુદી જુદી શાળાઓના 1000 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સુરતમાં તેણે વર્લ્ડ રેકોર્ડનો સફળ પ્રયાસ કર્યો છે. જીતની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચેસના 16 સફેદ અને 16 કાળા એમ કુલ 32 મહોરાને માત્ર 1.02 મિનિટમાં ગોઠવીને વધુ એક વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. સૌએ જીતની કુશળતાને બિરદાવી હતી. આ સાથે નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળશે.

મૂળ ભાવનગરના વતની જીત ત્રિવેદી હાલ સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં રહે છે. તેણે આ વર્ષે ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું છે. તે આ સિદ્ધિ વિષે જણાવે છે કે, હું આ પહેલા પણ આંખે પાટા બાંધીને વિવિધ ક્ષેત્રમાં 7 વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છું. જેમાં મેં બ્લાઈન્ડ ફોલ્ડેડ સાયકલિંગ, બોલ કેચ, ફાસ્ટેસ્ટ રિડીંગ, બલુન બ્લાસ્ટમાં 6 વિશ્વ વિક્રમ નોંધાવ્યા છે. આ ઉપરાંત 18,680 ફૂટની ઉંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા રોડ પર બ્લાઈન્ડ ફોલ્ડેડ સ્કુટર ડ્રાઈવિંગનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજ્ય સરકારના ખેલમહાકુંભમાં ચેસ રમતમાં ત્રણ વખત જિલ્લા કક્ષાએ ત્રણ વખત પ્રથમ ક્રમે આવીને રાજ્ય કક્ષાએ ભાગ લીધો છે.

Blind Folded Wonder Boy Surat

જીત માને છે કે, માણસ પાંચ મુખ્ય ઇન્દ્રિયોમાંથી કોઈ એક ગુમાવી દે છે ત્યારે અન્ય ચાર ઇન્દ્રિયો વધુ તેજ બની જાય છે. અંધ વ્યક્તિ પાસે દ્રષ્ટિ ભલે ન હોય, પણ તે બીજા અનેક ક્ષેત્રમાં કુદરતી રીતે કુશળ હોય છે. નોંધનીય છે કે, ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે વર્ષ ૨૦૧૯માં તેણે આંખે પાટા બાંધીને ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ સુધીનું ૨૬ કિમીનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. બ્લાઈન્ડ ફોલ્ડ પેઈન્ટીંગમાં પણ કુશળ છે.

Back to top button