સુરતની ટ્રાયલ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. કોંગ્રેસ નેતાએ સેશન્સ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પોતાની સજા પર સ્ટે મૂકવાની માંગ કરી છે. એડિશનલ સેશન જજ રોબિન પૉલ મોગેરા આજે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. રોબિન પૉલ મોગેરાએ જાન્યુઆરી 2018 માં ન્યાયાધીશ તરીકે પોતાનો કાર્યભાળ સંભાળ્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર મોગેરા ભાજપના નેતા અમિત શાહના વકીલ હતા. તેમણે તુલસી પ્રજાપતિનાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોબિન મોગેરાને સીબીઆઇ કોર્ટેમાં 2014 માં કોઈ કારણ આપ્યા વિના તેમના ક્લાયન્ટ અમિત શાહ માટે બીજી મુક્તિ(મુદતમાં હજાર ન રહેવા) માંગવા બદલ ઠપકો આપ્યો હતો. તે સમયે અમિત શાહના વકીલ રોબીને કોર્ટને આપેલી અરજીમાં લખ્યું હતું કે શાહ નવી દિલ્હીમાં રાજકીય કામમાં વ્યસ્ત છે અને તેથી કોર્ટમાં હજાર રહી શકશે નહિ. મોગેરાની આ અરજી પર સ્પેશિયલ જજ જેટી ઉતપટે કહ્યું હતું કે દર વખતે તમે કોઈ કારણ આપ્યા વગર મુક્તિ માટે અરજી કરો છો. આ ટિપ્પણી કર્યા બાદ થોડા જ દિવસોમાં જજ ઉતપટની બદલી પૂણે કરી દેવામાં આવી હતી.