ગુજરાત

સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી દોષિત જાહેર

Text To Speech

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી.

આરોપી ફેનિલ ગોયાણી

ગત 16 એપ્રિલે બચાવ પક્ષના વકીલ હાજર ન હોવાથી કોર્ટમાં મુદ્દત પડી હતી. જે બાદ આરોપી ફેનિલને કોર્ટમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરત જેલમાં લઇ જવાયો હતો. કોર્ટમાં મૃતક ગ્રીષ્માનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. જો કે કેસમાં મુદત પડતા પરિવારજનોની આંખોમાં અશ્રુ આવ્યા હતા. ગ્રીષ્માના માતા કોર્ટ પરિસરમાં રડી પડ્યા હતા. ગ્રીષ્માના પરિવારે આરોપી ફેનિલને જન્મટીપ અથવા ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે. ગ્રીષ્માના પરિવારજનોએ કહ્યું કે અમને સરકાર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

પરિવારજનોનું આક્રંદ

એફએસએલના અધિકારીની પણ લેવાઈ હતી જુબાની, મોબાઈલ વીડિયો ઓરિજનલ હોવાની પૃષ્ટિ.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો સામે આવ્યો હતો, તે વીડિયોનું શૂટિંગ મોબાઈલ કેમેરાથી કરવામાં આવ્યું હતું. જ્યારે હત્યા બાદ ફેનિલે તેના મિત્રને ફોન કરીને મે ઓલીને મારી નાખી છે તું જલદી આવી જા એમ જણાવતો ફોન કર્યો હતો. સાથે જ ફેનિલે તેની માનેલી બહેનને પણ ઈન્સ્ટાગ્રામમાં હું આજે પેલીને મારી નાખીશ એવો મેસેજ કર્યો હતો. આ બધુ FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેની સાથે કોઈ ચેડાં ન થયા હોવાની અધિકારીઓએ જુબાની આવી હતી.

બચાવ પક્ષની દલીલો
હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ કોર્ટમાં દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. તેણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

મૃતક ગ્રીષ્મા વેકરિયા પરિવાર સાથે

શું હતી ઘટના?
12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી હત્યા કરી હતી. ત્યારબાદ પોતાના હાથ પર ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેના પછી આરોપી ફેનિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફેનિલને રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Back to top button