સુરત: યુવાનને બેફામ ડ્રાઇવિંગ કરવુ ભારે પડ્યું, 17 વર્ષની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ
- ડાયમંડ બુર્સ રોડ પર કાર પલટી જતા અકસ્માત સર્જાયો
- કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત થયુ
- રાહુલ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતમાં યુવાનને બેફામ ડ્રાઇવિંગ કરવુ ભારે પડ્યું છે. જેમાં કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત થયુ તથા 3ને ઇજા પહોંચી હતી. શહેરના ખજોદ રોડ પર કાર પલટી ખાઇ જતાં અકસ્માતમાં ઇજા પામેલા ચાર મિત્રો પૈકી ગંભીર ઈજા પામેલા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું.
ડાયમંડ બુર્સ રોડ પર કાર પલટી જતા અકસ્માત સર્જાયો
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેસુ વિસ્તારમાં પોદાર રેસીડેન્સીમાં સુભાષભાઈ ચૌધરી 18 વર્ષીય પુત્ર રાહુલ બપોરે મિત્રો સાહીલ બાવા, શોર્ય શર્મા તેમજ દિશા ભોખડિયા સાથે સાંજે કારમાં બુર્સની અંદર ફરવા ગયા હતા. તે સમયે ડાયમંડ બુર્સ રોડ પર કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમા દિશાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં 108ના સ્ટાફે દિશાને મૃત જાહેર કરી હતી.
રાહુલ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ અંગે પોલીસને જાણ થતા ત્યાં દોડી આવી કાર્યવાહી કરીને મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો. કાર ચાલક રાહુલ ચૌધરી અને બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી. દિશા ઉધના ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તથા સાહીલ ડુમસ રોડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમજ શોર્ય શર્મા વેસુ વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ મામલે અલથાણ પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુટલેગરોનો નવો કીમિયો, પોર્ટલ એપથી દારૂ મંગાવ્યો