ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રદૂષણ એ રાજકીય મુદ્દો નથીઃ દિલ્હી, પંજાબ અંગે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

  • પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘આ યુદ્ધનું મેદાન નથી’
  • માત્ર દોષારોપણની રમત ચાલુ છે, પંજાબમાં હજુ પણ પરાળી સળગી રહી છેઃ સુપ્રીમ કોર્ટ
  • પરાળ સળગાવવાની ઘટનાઓ બંધ થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હી: દિલ્હી-NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ બતાવ્યું છે. પ્રદૂષણના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે માત્ર દોષારોપણની રમત ચાલુ છે, પંજાબમાં હજુ પણ પરાળી સળગી રહી છે. આ કોઈ રાજકીય મામલો નથી.

બેન્ચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે દિલ્હીમાં દર વર્ષે આવું કઈ રીતે થઈ શકે ? બધું માત્ર કાગળ પર જ થઈ રહ્યું છે. આ અંગે અદાલતના મદદગારે (એમિકસ) કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને પ્રદૂષણ રોકવા માટેના આદેશો જારી કરી દીધા છે, તેથી આજે કોઈ પણ રાજ્ય એમ કહી શકે નહીં કે તેમની પાસે આ આદેશ નથી. રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનો ચુસ્તપણે અમલ થાય અને તેનું પાલન થાય તે સૌથી જરૂરી છે.

જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે, તેમણે પોતે જોયું છે કે પંજાબમાં રસ્તાની બંને બાજુ પરાળ સળગાવવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે હું પંજાબ ગયો હતો. રસ્તાની બંને બાજુ પરાળ સળગી રહી હતી અને એના ધુમાડા દુર-દુર સુધી ફેલાઈ રહ્યા હતા.

 

આ યુદ્ધનું મેદાન નથીઃ સુપ્રીમ કોર્ટ

એમિકસ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે CAQM કહેતા હતા કે તે જાન્યુઆરીથી પરાળી પર દેખરેખ રાખી રહ્યા છે કે કોઈ પરાળી ન બાળે. પરંતુ તેના પછી પણ મોટા પ્રમાણમાં પરાળી સળગાવવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આ કોઈ રાજકીય લડાઈનું મેદાન નથી.

પંજાબ સરકારના વકીલે શું કહ્યું ?

પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે પંજાબમાં પરાળ બાળવાની ઘટનાઓમાં 40 ટકાનો ઘટાડો થયો છે. કોર્ટની ઝાટકણી બાદ પંજાબ સરકારે કહ્યું કે અમે આ મામલે પણ પગલાં લઈ રહ્યા છીએ.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેંચ સમક્ષ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે પ્રદૂષણનો સામનો કરવા માટે IIT દ્વારા આપવામાં આવેલા સૂચનોનો વ્યાપક રીતે અમલ કરવાની જરૂર છે.

પરાળ સળગાવવાની ઘટનાઓ બંધ થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે પંજાબને કડક શબ્દોમાં કહ્યું હતું કે, પરાળી સળગાવવાની ઘટનાઓ રોકો. અહીં દરેક વ્યક્તિ સમસ્યાના નિષ્ણાત છે. પરંતુ કોઈની પાસે ઉકેલ નથી. જસ્ટિસ કૌલે કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે દિલ્હીમાં કેટલા બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે.

જસ્ટિસ કૌલે પંજાબ સરકારના વકીલને કહ્યું કે તમે કેવી રીતે કરશો એ અમને ખબર નથી પરંતુ આ પરાળ સળગાવવા વાળી ઘટના બંધ થવી જોઈએ. પ્રદૂષણ પર રાજકીય લડાઈ ન થઈ શકે. કેન્દ્ર અને રાજ્યમાં કોણ સત્તા પર છે તેના આધારે બોજ લોકો પર પડે છે.

કોર્ટે કેન્દ્રને પૂછ્યું – તમે તમારા સ્તરે શું કર્યું?

કોર્ટે કેન્દ્ર સરકારને સવાલો પણ કર્યા કે તમે તમારા સ્તરે શું કર્યું? કેન્દ્ર સરકારે કહ્યું કે અમે આ સમસ્યાનો સામનો કરવા માટે રાજ્યોને 3,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેના પર કોર્ટે કહ્યું કે આંકડાઓને બદલે જમીન પર શું કરવામાં આવ્યું તેની માહિતી આપો. શું ડાંગરના પાકને બદલે બાજરી એટલે કે બરછટ અનાજને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? તેનો ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે?

કોર્ટે કહ્યું કે કાં તો આ સમસ્યાને હમણાં જ હલ કરો અથવા આવતા વર્ષ સુધી રાહ જુઓ. આવતા વર્ષથી આ સમસ્યા ઉભી ન થવી જોઈએ, હવેથી કડક પગલાં લો.

સરકારોએ કડક પગલાં ભરવા જોઈએઃ સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ કૌલે કહ્યું હતું કે પ્રદૂષણ રોકવા માટે સરકારો પોતાની રીતે કડક પગલાં લે તો સારું, નહીંતર જો અમે અમારું બુલડોઝર ચાલુ કરી દઈશુ તો પછી અમે રોકાઈશું નહીં. જસ્ટિસ કૌલે કહ્યું કે જો હું બુલડોઝર ચલાવીશ તો હું આગામી 15 દિવસ સુધી રોકાઈશ નહીં. અમે ઈચ્છીએ છીએ કે દિવાળીની રજાઓ પહેલા તમામ પક્ષો એક બેઠક યોજે. અમે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ઈચ્છીએ છીએ. દિલ્હીમાં બસોને કારણે થતા પ્રદૂષણની ટકાવારી પણ ઘણી વધી ગઈ છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRનું પ્રદૂષણ દરેક વ્યક્તિને 10 ‘સિગારેટ’ પીવા જેટલું નુકસાન કરે છે

Back to top button