ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

  • મનીષ સિસોદિયા કથિત દારુ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે.
  • મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દિધી છે.
  • 6 થી 8 મહિનામાં કેસ પૂર્ણ નહી થાય તો મનીષ સિસોદિયા ફરી જામીન અરજી કરી શકશે.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સોમવારે (30 ઓક્ટોબર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સિસોદિયા સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે.

 

સુપ્રીમ કોર્ટે અગાઉ સીબીઆઈ અને ઈડીને કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામેના કેસોને લઈને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સિસોદિયા કથિત દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયાએ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ કેસમાં જામીન માંગ્યા છે. તેમાંથી એક કેસ સીબીઆઈ દ્વારા અને બીજો કેસ ઈડી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

8 મહિનામાં કેસ પૂરો કરવા સૂચના 

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની જામીન અરજી ફગાવી દીધી છે પણ આ સાથે કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સિસોદિયા સામેનો કેસ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવે. જો ટ્રાયલ પ્રક્રિયા ધીમી રહેશે, તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન માટે અરજી કરવા માટે હકદાર બનશે.

સિસોદિયા પર શું છે આરોપ?

મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. 17 ઓક્ટોબરે જ્યારે તેની જામીન પર સુનાવણી થઈ ત્યારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. છેલ્લી સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમના અસીલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેમને આરોપી બનાવવામાં આવ્યા છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલા સિસોદિયા એકમાત્ર નેતા નથી. તાજેતરમાં, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ સાંસદ સંજય સિંહને પણ આ કૌભાંડ સાથે પણ જોડ્યા છે. સંજય સિંહ પણ હજુ કસ્ટડીમાં છે. આમ આદમી પાર્ટીએ પોતાના નેતાઓ પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો: કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર કરાયો

Back to top button