ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી જળ સંકટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હિમાચલને પાણી છોડવાનો આદેશ

  • હરિયાણાએ હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને સરળ બનાવવામાં સહયોગ આપવો જોઈએ: SC

નવી દિલ્હી, 6 જૂન: જળ સંકટનો સામનો કરી રહેલી દિલ્હી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરતા હિમાચલ પ્રદેશને પાણી છોડવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં, આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વધી રહેલા જળ સંકટને લઈને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને આવતીકાલે શુક્રવારે 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, “દિલ્હીમાં કોઈપણ રીતે પાણીનો બગાડ ન થાય તેની કાળજી રાખવામાં આવે. હરિયાણાએ હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને સરળ બનાવવામાં સહયોગ આપવો જોઈએ.”

આવા ગંભીર મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ: SC

જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, આ પાણી લાવવા માટે એક રસ્તા કાઢવાના અધિકારનો મામલો છે. આવા ગંભીર મુદ્દા પર આપણે ધ્યાન આપવું પડશે. હિમાચલ પ્રદેશ 150 ક્યુસેક પાણી આપી રહ્યું છે, તો તમે (હરિયાણા) તેને પસાર થવા દો. જરૂર પડશે તો અમે મુખ્ય સચિવ સાથે વાત કરીશું. દિલ્હી સરકાર વતી સિંઘવીએ કહ્યું કે, એક બેઠક યોજાઈ હતી કે હિમાચલ પાણી આપવા માટે તૈયાર છે પરંતુ હરિયાણાએ કોઈ જવાબ આપ્યો નથી.

બંને રાજ્યોમાં ભારે ગરમી: સુપ્રીમ કોર્ટ

આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “યમુના રિવર ફ્રન્ટ બોર્ડના તમામ સભ્યો એ વાત પર સહમત હતા કે બંને રાજ્યો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે અને બંનેને પાણીની જરૂર છે. 5 જૂને યોજાયેલી બેઠકમાં હિમાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશે કહ્યું હતું કે, ત્યાં વધારે પાણી છે. તે આ પાણી દિલ્હી સાથે વહેંચવા માંગે છે. તેથી અમે(SC) હિમાચલને 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપીએ છીએ.” કોર્ટે કહ્યું કે, યમુના રિવર ફ્રન્ટ બોર્ડ ધ્યાન રાખશે કે કેટલું પાણી આવ્યું છે. સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે.”

હિમાચલ 7 જૂને શુક્રવારથી પાણી છોડશે

સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને યમુનામાં 137 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. હથિની કુંડ બેરેજ દ્વારા દિલ્હીને વધારાનું પાણી મળશે. કોર્ટના આદેશ મુજબ, હિમાચલ આવતીકાલથી 137 ક્યુસેક પાણી છોડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હરિયાણાએ આ કામમાં સહયોગ કરવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું છે કે, તમામ પક્ષકારો સોમવારે પોતાનો રિપોર્ટ દાખલ કરે.

આ પણ જુઓ: ફિલ્મ ‘હમારા બારહ’ની રિલીઝ મોકૂફ, બોમ્બે હાઈકોર્ટ તરફથી મળી નોટિસ

Back to top button