સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી
- આ દુષ્કર્મનો મામલો છે તેમજ પીડિતાની ઉંમર 14 વર્ષની છે. આ અપવાદરૂપ કિસ્સામાં, ગર્ભપાતની મંજૂરી છે: SC
નવી દિલ્હી, 22 એપ્રિલ: સુપ્રીમ કોર્ટે આજે સોમવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતના મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 14 વર્ષની દુષ્કર્મ પીડિતા ગર્ભપાત થશે. કોર્ટે 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30મા સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ દુષ્કર્મનો મામલો છે તેમજ પીડિતાની ઉંમર 14 વર્ષની છે. આ અપવાદરૂપ કિસ્સામાં, ગર્ભપાતની મંજૂરી છે. 22 એપ્રિલે સુપ્રીમ કોર્ટે મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
Supreme Court allows medical termination of pregnancy of a 14-year-old girl who was allegedly raped.
The Apex Court takes note of the medical report submitted by the hospital which opined medical termination of the minor and said that continuation of pregnancy would impact… pic.twitter.com/KnQKvvk6ll
— ANI (@ANI) April 22, 2024
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલે આ કેસમાં તાકીદની સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે પીડિતાની તબીબી સારવારનો આદેશ આપ્યો હતો. હોસ્પિટલે આજે સોમવારે સવારે 10:30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચે આદેશ સંભળાવતા કહ્યું હતું કે, “મેડિકલ રિપોર્ટ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રેગ્નન્સી ચાલુ રાખવાથી પીડિતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થશે. જો કે, રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ગર્ભપાતની કેટલીક સમસ્યાઓ છે. તે કરાવવામાં જોખમ છે, પરંતુ ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં તેનાથી પણ મોટું જોખમ છે.”
તબીબી તપાસનો ઓર્ડર
હકીકતમાં પીડિતાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીરને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. આ પછી બાળકીની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને સગીરનું મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો.
MTP એક્ટ શું છે?
ઉલ્લેખનીય છે કે, મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ, પરિણીત મહિલાઓ તેમજ વિશેષ શ્રેણની મહિલાઓ માટે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મહત્તમ મર્યાદા 24 અઠવાડિયા છે. જેમાં દુષ્કર્મ પીડિતા અને અન્ય સંવેદનશીલ મહિલાઓ જેમ કે અપંગ અને સગીરોનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ: સગર્ભા સગીરાની અરજી પર કાલે સુપ્રિમમાં સુનાવણી, જાણો શું છે માંગ