ગુજરાતમાં સિવિલ જજ, JMFCની ભરતી પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

- ભરતી માટે હાથ ધરાયેલી પ્રક્રિયા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો
- પક્ષકારોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 18 માર્ચે હાથ ધરશે
- પસંદગી પ્રક્રિયાની ઉતાવળ કરવાની જરૂરિયાતને અમે સ્વીકારતા નથી
સુપ્રીમકોર્ટે એક આદેશ મારફતે ગુજરાતમાં સિવિલ જજ (જુનિયર ડિવિઝન) જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની ભરતી પ્રક્રિયા સામે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. સુપ્રીમકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉમેદવારની લઘુતમ લાયકાતમાં વકીલ ઉમેદવારે કેટલા વર્ષની પ્રેક્ટિસ કરી હોવી જોઈએ તેની કોઇ નિર્ધારિતતા નક્કી કર્યા વિના જ ભરતી પ્રક્રિયા હાથ ધરાતા નારાજગી વ્યકત કરી હતી.
પક્ષકારોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 18 માર્ચે હાથ ધરશે
સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની ખંડપીઠે આ કેસમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ, રાજયના મુખ્ય સચિવ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 18 માર્ચે હાથ ધરશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30મી જાન્યુઆરીની આ અંગેની જાહેરાતમાં એ બાબતની કોઈ સ્પષ્ટતા નથી કે, ઉમેદવાર પાસે ઓછામાં ઓછા કેટલાં વર્ષની પ્રેક્ટિસ કર્યાની લાયકાત હોવી જોઈએ. તેથી સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ન્યાયિક સેવામાં પ્રવેશ સ્તરની જગ્યાઓ માટે ફ્રેશર્સ (તાજા ઉમેદવારો)ને અરજી કરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં તે મામલે ત્રણ જજોની અન્ય ખંડપીઠે ચુકાદો અનામત રાખેલો છે. સુપ્રીમકોર્ટ આ મુદ્દા પર વિચાર કરી રહી છે, ત્યારે હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવાની મંજૂરી આપવી જોઈતી ન હતી.
પસંદગી પ્રક્રિયાની ઉતાવળ કરવાની જરૂરિયાતને અમે સ્વીકારતા નથી
સુપ્રીમકોર્ટે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારને સિવિલ જજ (સિનિયર ડિવિઝન)ના પદ માટે અરજી કરવા માટે લઘુતમ લાયકાત તરીકે પ્રેક્ટિસના કેટલાં વર્ષો નક્કી કરવા જોઈએ તે પ્રશ્ન આ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠ સમક્ષ પેન્ડિંગ છે અને આ મામલાની વિગતવાર સુનાવણી કરી છે. જેમાં તમામ રાજય સરકારો અને હાઈકોર્ટની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો છે. ત્યારે પસંદગી પ્રક્રિયાની ઉતાવળ કરવાની જરૂરિયાતને અમે સ્વીકારતા નથી.
ભરતી માટે હાથ ધરાયેલી પ્રક્રિયા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો
ઑલ ઈન્ડિયા જજીસ એસોસિએશન દ્વારા કરાયેલી અરજીમાં સુપ્રીમકોર્ટે આ હુકમ કર્યો હતો. અરજદાર એસોસિએશનની અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કેટલાક ઉમેદવારોની પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ આપવાનો અને સિવિલ જજ, જુનિયર ડિવિઝનની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપતો જે હુકમ કરાયો હતો, તેની સામે સ્ટે ફરમાવવા પણ દાદ માંગવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજયમાં સિવિલ જજ(જુનિયર ડિવિઝન), જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની ભરતી માટે હાથ ધરાયેલી પ્રક્રિયા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો હતો.