ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટે અફઝલ અન્સારીની સજા ઉપર સ્ટે આપ્યો, સંસદ સભ્યપદ બહાલ

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે BSP સાંસદ અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં આપવામાં આવેલી 4 વર્ષની સજામાંથી રાહત આપી છે. કોર્ટે હાલમાં અફઝલ અંસારીની સજા પર રોક લગાવી છે. જેના કારણે અયોગ્ય BSP સાંસદને તેમનું સંસદસભ્યપદ ફરી મળવાનો માર્ગ ખુલી ગયો છે. જો કે, કોર્ટે એક શરત મૂકી છે કે તે મતદાન કરી શકશે નહીં અને સાંસદ તરીકે ભથ્થાં પણ લઈ શકશે નહીં. પરંતુ તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. અફઝલ અંસારીને ગેંગસ્ટર કેસમાં 4 વર્ષની સજા થઈ હતી. આ પછી 1 મેના રોજ તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી હતી.

કોર્ટે હાલ પૂરતી સજા મોકૂફ રાખી

અફઝલ અંસારી 5 વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે. નિયમો અનુસાર જો કોઈ જનપ્રતિનિધિને બે કે તેથી વધુ વર્ષની જેલની સજા થાય તો તે સંસદ કે વિધાનસભાનું સભ્યપદ ગુમાવે છે. એટલું જ નહીં તેના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે બહુમતીથી નિર્ણય આપ્યો હતો કે અફઝલ અંસારીની સજા પર હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ. આ સાથે જ ત્રણ જજની બેન્ચ અલ્હાબાદ હાઈકોર્ટને સજા વિરુદ્ધ દાખલ અફઝલ અંસારીની અપીલ પર 30 જૂન સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે.

આ કેસમાં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયને અફઝલ અંસારીની સજા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા તેની વિરુદ્ધ હતા. આ રીતે 2-1ની બહુમતી સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે અફઝલ અન્સારીને રાહત આપી હતી.આ રીતે સર્વોચ્ચ અદાલતે અફઝલ અંસારીને સભ્યપદ બહાલ કર્યું છે. જોકે, કેટલીક શરતો મુકવામાં આવી છે કે તેઓ સાંસદ તરીકે મતદાન કરી શકે નહીં. આ સિવાય પગાર અને ભથ્થા પણ લઈ શકાતા નથી. તે ચોક્કસપણે સંસદની કાર્યવાહીનો હિસ્સો બની શકે છે.

લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખૂલ્યો

સભ્યપદ પુનઃસ્થાપિત થતાં અફઝલ અન્સારી માટે 2024ની સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે. અફઝલ અંસારી ગાઝીપુર જિલ્લાનો રહેવાસી છે અને ગેંગસ્ટર મુખ્તાર અંસારીનો ભાઈ છે. ગાઝીપુરની વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે 29 એપ્રિલે અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે અફઝલ અંસારીને 4 વર્ષની અને તેના ભાઈ ગેંગસ્ટર મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં બંને વિરુદ્ધ યુપી ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઓ બ્રાયન બાદ લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષના 14 સાંસદ આખા સત્ર માટે સસ્પેન્ડ

Back to top button