રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
- રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતાને પુન:સ્થાપિત કરવા પર અશોક પાંડેએ વાંધો ઉઠાવ્યો હતો, સુપ્રીમ કોર્ટે વકીલની અરજી ફગાવી અને અરજદાર અશોક પાંડેને 1 લાખનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી અરજી આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે અરજી કરનાર ઉપર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજદાર વકીલ અશોક પાંડેને ઠપકો પણ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આનાથી માત્ર કોર્ટ પર જ નહીં પરંતુ રજિસ્ટ્રી પર પણ બોજ વધે છે. કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાના લોકસભા અધ્યક્ષના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. આ અરજી વકીલ અશોક પાંડેએ દાખલ કરી હતી.
વકીલ દ્વારા અરજીમાં શું માંગ કરવામાં આવી હતી?
અરજીમાં વાયનાડના સાંસદ તરીકે રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે લોકસભા સચિવાલયની સૂચનાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ અશોક પાંડેએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે એકવાર સંસદ અથવા વિધાનસભાના સભ્ય કાયદાની કામગીરી દ્વારા તેમનું પદ ગુમાવે છે, તો તે ત્યાં સુધી અયોગ્ય ઠેરવાય છે જ્યાં સુધી તેમને કોઈ મોટી અદાલત અપરાધમાંથી નિર્દોષ જાહેર ન કરે. પરંતુ રાહુલ ગાંધીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે અરજદારની અરજી ફગાવી ફટકાર્યો 1 લાખનો દંડ
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતાને પડકારતી અરજી કરનાર વકીલ અશોક પાંડેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે આ સાથે જ કોર્ટે અરજદારને 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે, આ સાથે કોર્ટે વકીલ અશોક પાંડેને ઠપકો પણ આપ્યો છે.
અગાઉ પણ સુપ્રીમ કોર્ટે વકીલ અશોક પાંડે પર દંડ ફટકાર્યો હતો
ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે એનસીપી નેતા મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી મામલામાં દંડ ફટકારીને વકીલ અશોક પાંડેની અરજીને પણ ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે વકીલ અશોક પાંડે પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: મહુઆ મોઇત્રાને હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં સરકારી બંગલો ખાલી કર્યો