BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- ‘અમારો સમય બગાડો નહીં’
સુપ્રીમ કોર્ટે આજે ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હિન્દુ સેના દ્વારા આ અરજી કરવામાં આવી હતી જેમાં ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની કામગીરી પર પ્રતિબંધ મૂકવા અને ભારતમાં બીબીસી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી અને કહ્યું કે ‘અમારો સમય બગાડો નહીં’.
BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી
સુપ્રીમ કોર્ટે BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. હિન્દુ સેના અધ્યક્ષે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી વડાપ્રધાન મોદીની ગુજરાત રમખાણોમાં કથિત ભૂમિકા પર આધારિત ડૉક્યુમેન્ટ્રી પ્રસારિત કરવા માટે બીબીસી અને બીબીસી ઈન્ડિયા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. આ અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “પીટીશનમાં દખલ કરવાનું કોઈ કારણ નથી અને આ સુનાવણી યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીબીસી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે, આ અરજી પર કેવી રીતે ચર્ચા થઈ શકે”.
જાણો વકિલે શું દલિલ કરી
હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દ્ર કુમાર સિંહે ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી કરી હતી. આ અરજીમાં કહ્યું છે કે ભારતની એકતા અને અખંડિતતાને તોડવાના બીબીસીના ષડયંત્રની એનઆઈએ દ્વારા તપાસ થવી જોઈએ. અરજદાર વતી એડવોકેટ પિંકી આનંદે કહ્યું કે બીબીસી દેશની છબી ખરાબ કરવા માંગે છે… ક્યારેક નિર્ભયા… ક્યારેક કાશ્મીર અને હવે ગુજરાત રમખાણો મુદ્દે પણ ડોક્યુમેન્ટ્રી બનાવીને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
ન્યાયાધીશે આપ્યો આ જવાબ
ન્યાયાધીશોએ અરજદારના વકીલને કહ્યું, “આ દલીલ ખોટી છે, સુપ્રીમ કોર્ટ આવા આદેશ કેવી રીતે પસાર કરી શકે છે.” આ અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ” કે તમે આટલી રાહત કેવી રીતે માંગી શકો, શું કોર્ટ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી શકે?, એક ડોક્યુમેન્ટરી દેશને કેવી રીતે અસર કરી શકે?”
આ પણ વાંચો : હાર્દિક પટેલને મોટી રાહત, 2017ના કેસમાં જામનગર કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો