અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં એડિશ્નલ ભાષા તરીકે ગુજરાતી ભાષાના ઉપયોગને મંજૂરી આપવાના નિર્દેશની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી રોહિત પટેલ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન જેમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે ઓગસ્ટ 2023ના આદેશને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટના 22 ઓગસ્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી.
અગાઉ ગજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી
ગુજરાત હાઈકોર્ટમાં રૂટિન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષા પણ અધિકૃત રીતે અમલી બનાવવા ભારતીય બંધારણની કલમ કલમ-348(2) હેઠળ દાખલ થયેલી જાહેરહિતની અરજીને ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે કડક વલણ સાથે ઓગસ્ટ 2023ના રોજ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષ દ્વારા દાખલ કરાયેલી પીઆઇએલ ખોટી ધારણાયુકત અને ટકવાપાત્ર નહી હોવાનું ઠરાવી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી.
Supreme Court rejects plea for use of Gujarati as additional language in Gujarat courts
Read more: https://t.co/wUnrgbKZo1 pic.twitter.com/cH6CzRsRiC
— Bar & Bench (@barandbench) November 28, 2023
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો
અરજદાર રોહિત પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને રાજ્ય સરકાર સામે તત્કાલીન રાજ્યપાલના 2012ના નિર્ણયને અમલમાં મૂકવા માટે નિર્દેશ માંગ્યો હતો, જેમાં હાઈકોર્ટ સમક્ષ કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજીને ‘ગેરસમજ’ ગણાવીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદાર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાં જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના ઓગસ્ટ 2023ના આદેશને યથાવત રાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતા નથી.