ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટે UAPA કેસમાં ન્યૂઝક્લિકના સ્થાપકને મુક્ત કરવાનો આપ્યો આદેશ, ધરપકડ ગેરકાયદે

Text To Speech
  • ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ UAPA કેસ હેઠળ જેલમાં હતા બંધ

નવી દિલ્હી, 15 મે: સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ UAPA હેઠળ જેલમાં બંધ છે. જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે ધરપકડને ગેરકાયદે ગણાવીને આ ચુકાદો સંભળાવ્યો હતો. રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચાઈનીઝ ફંડિંગને લઈને UAPA કેસ હેઠળ પોતાની ધરપકડને પડકારતા પ્રબીર પુરકાયસ્થે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

કોર્ટે ધરપકડ પર સવાલો ઉઠાવ્યા

આ પહેલા પ્રબીર પુરકાયસ્થની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, દિલ્હી પોલીસે પુરકાયસ્થની ધરપકડ બાદ તેમના વકીલને જાણ કર્યા વિના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની ઉતાવળ કેમ કરી? જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પુરકાયસ્થના વકીલને રિમાન્ડ અરજી આપવામાં આવે તે પહેલાં જ રિમાન્ડનો ઓર્ડર કેવી રીતે પસાર થઈ ગયો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો

બેંચે ધરપકડની રીત પર સવાલો ઉઠાવતાં, ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આ કેસમાં ધરપકડ અને રિમાન્ડને પડકારતી પુરકાયસ્થની અરજી પર તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી

પ્રબીર પુરકાયસ્થ પર ન્યૂઝક્લિક પોર્ટલ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે ચીન પાસેથી ભંડોળ લેવાનો આરોપ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. સુનાવણી દરમિયાન પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: બેંક રોબરીની ફરીયાદ નોંધાવનાર કર્મચારી પોતે જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ, લુંટ્યા 41 લાખ

Back to top button