મુંબઈ રમખાણોના પીડિતોને સહાય ચુકવવાનો MH સરકારને સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારને બાબરી મસ્જિદના ધ્વંસ બાદ 1992-93ના મુંબઈ રમખાણોના તમામ પીડિતોને શોધી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તેમને વળતર મળી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય તેના નાગરિકોના જીવનની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ભારતના બંધારણની કલમ 21 હેઠળ બાયધરી આપવામાં આવેલા લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
ઘટનામાં 900 ના મોત અને 2000 થી વધુ ઘાયલ થયા
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જો નાગરિકોને સાંપ્રદાયિક તણાવના વાતાવરણમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે, તો તે કલમ 21 દ્વારા ખાતરી આપવામાં આવેલ જીવનના અધિકારને અસર કરે છે. ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993માં મુંબઈમાં થયેલી હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓના ગૌરવપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવાના અધિકાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. રમખાણોમાં 900 લોકો માર્યા ગયા અને 2000થી વધુ ઘાયલ થયા. નાગરિકોના ઘરો, ધંધાકીય સંસ્થાઓ અને સંપત્તિનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ ભારતના બંધારણની કલમ 21 હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને વિક્રમનાથની બેન્ચે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને રાજ્ય સરકાર પાસેથી વળતરની માંગ કરવાનો અધિકાર છે કારણ કે તેમની વેદનાના મૂળ કારણોમાંનું એક કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રાજ્યની નિષ્ફળતા છે.
વારસદારોને રૂ.2 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજે ચૂકવો
સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને 108 ગુમ થયેલા વ્યક્તિઓના કાયદેસરના વારસદારોને જાન્યુઆરી 1999થી વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ સાથે રૂ. 2 લાખનું વળતર ચૂકવીને તેમને શોધી કાઢવાના તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે નિષ્ક્રિય કેસો ફરી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને એક મહિનાની અંદર બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને 97 નિષ્ક્રિય કેસોની વિગતો પ્રદાન કરવા પણ કહ્યું હતું. હાઈકોર્ટે સંબંધિત અદાલતોને જરૂરી માહિતી આપવી જોઈએ કે જેમાં કેસ પેન્ડિંગ છે જેથી આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી પગલાં લઈ શકાય.
2001 માં થયેલી પિટિશનના સંદર્ભમાં અપાઈ સૂચના
સુપ્રીમ કોર્ટે તેના નિર્દેશોના અમલીકરણની દેખરેખ રાખવા માટે મહારાષ્ટ્ર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની પણ રચના કરી છે. સુપ્રિમ કોર્ટનો નિર્ણય શકીલ અહેમદ દ્વારા 2001માં દાખલ કરાયેલી રિટ પિટિશન પર આવ્યો હતો જેમાં રમખાણોની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી જસ્ટિસ શ્રીકૃષ્ણ કમિટીની ભલામણોને લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.