સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોટો ઝટકો આપ્યો, CISFને સોપી હોસ્પિટલની સુરક્ષા
કોલકત્તા- 20 ઑગસ્ટ : કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજમાં ડોક્ટર પર રેપ-મર્ડરની ધટનાને પગલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આર.જી. કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સુરક્ષા CISFને સોંપી દીધી છે. જો કે, અત્યાર સુધી આ સુરક્ષા કોલકત્તા પોલીસના જ હાથમાં હતી.
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી
કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે આજે પહેલી સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને ઘણા આકરા સવાલો કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, 7000 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા કેવી રીતે ? આ દરમિયાન કોલકત્તા પોલીસ શું કરી રહી હતી?’
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘જો ડૉકટરો 36 કલાક કામ કરે છે, તો તેમને સુરક્ષા આપવી અનિવાર્ય છે. જો મહિલાઓને તેમના કાર્યસ્થળ પર જ સુરક્ષા ન મળે તો તે તેમના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.’ આ ઉપરાંત કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત પણ કરી છે. તેમાં કુલ 8 સભ્યો હશે. તેના સભ્યો કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સચિવ અને હોદ્દેદારો પણ હશે.
પોલીસ શું કરી રહી હતી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે ‘પ્રિન્સિપાલે આ કેસને સુસાઈડ બતાવવાનો પ્રયાસ કર્યો? અને તેને બીજી જગ્યાએ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યો? FIR દાખલ કરવામાં પણ ઘણો વિલંબ થયો. સાત હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસી ગયા તો પોલીસ શું કરી રહી હતી?’ પશ્ચિમ બંગાળ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે પણ કહ્યું હતું, કે ‘તપાસ બાદ તરત જ FIR નોંધવામાં આવી હતી.’ અત્રે નોંધનીય છે કે કોર્ટે તબીબોને કામ પર પરત ફરવા માટે પણ આગ્રહ કર્યો છે.
આ પણ વાંચો : 100થી વધુ યુવતીઓ પર સામૂહિક બળાત્કાર, એકને છોડવા પર બીજીને લાવવાની રાખતા હતા શરત, 32 વર્ષ પછી આવ્યો નિર્ણય