સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર ઉધયનિધિ અને એ રાજાને સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના મંત્રી અને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિન સામે શુક્રવારે (22 સપ્ટેમ્બર) નોટિસ ઈસ્યું કરી છે. આ ઉપરાંત ડીએમકે નેતા એ રાજા સામે પણ નોટિસ ઈસ્યું કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે નફરતભર્યા ભાષણ પરની અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે આ મામલે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચેન્નાઈના એક વકીલે તામિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ આયોજિત કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે.
આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજીમાં સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનારા ઉધયનિધિ સ્ટાલિન અને અન્ય નેતાઓ સામે એફઆઈઆર નોંધવા અને કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બંને નેતાઓ સામે નોટિસ ઈસ્યું કરીને ચાર સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે.
ઉધયનિધિ સ્ટાલિને શું કહ્યું હતું?
ઉધયનિધિ સનાતન એલિમિનેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ચેન્નાઈ પહોંચ્યા હતા, ત્યારે કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી. તેને ખતમ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મેલેરિયા, મચ્છર અને કોરોનાનો વિરોધ કરી શકતા નથી, તેમને ખતમ કરવા જોઈએ. તેવી જ રીતે સનાતન ધર્મનો પણ નાશ કરવો પડશે.”
એ રાજાએ શું કહ્યું હતું?
એ રાજાએ ઉધયનિધિની ટિપ્પણીને સમર્થન આપ્યાની સાથે આગળ આવીને કહ્યું હતું કે, “ઉધયનિધિનું સનાતન પર નરમ વલણ હતું. સનાતન ધર્મની તુલના સામાજિક કલંક જેવા રોગો સાથે થવી જોઈએ. સનાતનની ધર્મની માત્ર એચ.આય.વી, રક્તપિત્ત જેવા સામાજિક રોગો સાથે સરખામણી થવી જોઈએ.
આ પણ વાંચો: શિક્ષક ભરતી કાંડમાં મમતા બેનરજીના ભત્રીજાને હાઇકોર્ટમાંથી રાહત