પતંજલિની જાહેરાતથી સુપ્રીમ કોર્ટેના જજ નારાજ: આ મુદ્દે લગાવી ફટકાર
- જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા પોતે અખબાર લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
- કોર્ટના આદેશ છતાં પણ તમારી આ જાહેરાત છાપવાની હિંમત કેવી રીતે થઈ? : જસ્ટિસ
- પતંજલિ આયુર્વેદ કેવી રીતે કહી શકે કે તેની પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે: જસ્ટિસ
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પતંજલિ આયુર્વેદે જાહેરાતો પ્રકાશિત કરી જે બાદ કોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા ગુસ્સે થઈ ગયા અને પોતે અખબાર લઈને કોર્ટમાં પહોંચ્યા હતા. આ પછી શું?, જજે અખબારની જાહેરાત બતાવીને પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે, “કોર્ટના આદેશ છતાં પણ તમારી આ જાહેરાત છાપવાની હિંમત કેવી રીતે થઈ?” જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ પતંજલિ આયુર્વેદને સ્પષ્ટ કહ્યું કે, “તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો.”
Supreme Court hearing plea by Indian Medical Association seeking action against Baba Ramdev and Patanjali Ayurved for defaming evidence-based medicine.#SupremeCourt @PypAyurved pic.twitter.com/YroHg9DLUK
— Bar & Bench (@barandbench) February 27, 2024
સુપ્રીમ કોર્ટે પતંજલિને પૂછ્યું કે, “પતંજલિ આયુર્વેદ કેવી રીતે કહી શકે કે તેની પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે?” સુપ્રીમ કોર્ટે એલોપેથી વિરુદ્ધની જાહેરાતો માટે પતંજલિ આયુર્વેદની ઝાટકણી કાઢી હતી.
અમે કડક આદેશો આપી રહ્યા છીએ: જસ્ટિસ
જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે, “હું જાહેરાતની પ્રિન્ટઆઉટ અને એટેચમેન્ટ સાથે લાવ્યો છું. અમે ખૂબ જ કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. આ જાહેરાત જુઓ. તમે કેવી રીતે કહી શકો કે તમે રોગ મટાડી શકો છો? અમારી ચેતવણી છતાં, તમે કહી રહ્યા છો કે અમારી વસ્તુઓ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે પગલાં લેવા જોઈએ.” આ પછી સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના વકીલોને જાહેરાત જોવા માટે કહ્યું છે. હવે આ મામલે થોડા સમય બાદ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આપી ચૂકી છે ચેતવણી
ઉલ્લેખનીય છે કે, અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પતંજલિને કોઈ ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા ન કરવા કહ્યું હતું. કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે, જો આવું કરવામાં આવશે ટો ભારે દંડ ફટકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ ચોક્કસ રોગનો ઈલાજ થઈ શકે છે એવો ખોટો દાવો કરવામાં આવે છે તો બેંચ દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લાદવાનું પણ વિચારી શકે છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રામક મેડિકલ જાહેરાતો પર કાર્યવાહી કરવા માટે પ્રસ્તાવ આપવા કહ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલિની જાહેરાતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ પણ જુઓ: કેડિલાના CMD રાજીવ મોદીને ક્લિનચીટ મળ્યા બાદ પીડિત બલ્ગેરિયન યુવતી હાજર થઈ