ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIને મોકલી નોટિસ, કહ્યું: બેંક સંખ્યા જાહેર કરે

Text To Speech
  • સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શા માટે યુનિક આઈડી નંબર જાહેર કરવામાં આવ્યા નથી

નવી દિલ્હી, 15 માર્ચ: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં શુક્રવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને નોટિસ ફટકારી કરી છે. કોર્ટે કહ્યું છે કે, “તેમને(SBI) ચૂંટણી બોન્ડની સંખ્યા (આલ્ફા-ન્યુમેરિક નંબર્સ) જાહેર કરવા પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેમ કર્યું નથી.” સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતના ચૂંટણી પંચે 14 માર્ચે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા જાહેર કર્યા હતા. ચૂંટણી બોન્ડ સંબંધિત ડેટા એ જ ડેટા છે જે SBI દ્વારા 12 માર્ચે ચૂંટણી પંચ સાથે શેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચની વેબસાઈટ પર બે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં કુલ 763 પેજ છે જેમાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર કંપનીઓ અને લોકોના નામ સામેલ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલો ડેટા પરત કરવાની ECIની વિનંતીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. ખંડપીઠે કેસની આગામી સુનાવણી 18મી માર્ચે નક્કી કરી છે.

 

મૂળ દસ્તાવેજો પરત કરવાની સૂચના

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે તેના રજિસ્ટ્રાર (ન્યાયિક)ને ચૂંટણી પંચ દ્વારા સીલબંધ કવરમાં ફાઇલ કરેલા ડેટાને સ્કેનિંગ અને ડિજિટાઇઝ કર્યા બાદ તેના મૂળ દસ્તાવેજો ચૂંટણી પંચને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં આ કાર્યને પ્રાધાન્યપૂર્વક પૂર્ણ કરવું.

આલ્ફા-ન્યુમેરિક નંબરો જાહેર કર્યા નથી!

સુનાવણી દરમિયાન, બેંચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડવોકેટ પ્રશાંત ભૂષણની દલીલોની નોંધ લીધી હતી કે SBI દ્વારા ચૂંટણી બોન્ડના આલ્ફા-ન્યુમેરિક નંબરો જાહેર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.

આ પણ જુઓ: બસ્તર, ધ નક્સલ સ્ટોરીઃ રાષ્ટ્રવિરોધીઓની ઓળખ કરાવતી ફિલ્મ

Back to top button