ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના કેસોનો નિકાલ લાવવા હાઇકોર્ટોને સુપ્રીમ કોર્ટનો આદેશ

  • MP-MLA વિરુદ્ધ ફોજદારી કેસોના ઝડપી નિકાલ અંગે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા ઘડવી મુશ્કેલ : SC
  • SCએ ઉચ્ચ અદાલતોને આવા કેસોની અસરકારક દેખરેખ અને નિકાલ માટે સુઓ મોટો કેસ નોંધવા કહ્યું

દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધના અપરાધિક કેસોના ઝડપી નિકાલ માટે નિર્દેશો જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, સાંસદો-ધારાસભ્યો સામેના કેસોના ઝડપી નિકાલ અંગે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા ઘડવી તેના માટે મુશ્કેલ હશે. કોર્ટે ઉચ્ચ અદાલતો (હાઇકોર્ટ)ને આવા કેસોની અસરકારક દેખરેખ અને નિકાલ માટે સુઓ મોટો કેસ નોંધવા જણાવ્યું છે.

 

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો વિશેષ બેન્ચ બનાવી સુઓ મોટોથી કેસની સુનાવણી કરે : SC

અરજદાર અશ્વિનીકુમાર ઉપાધ્યાય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્યો કેસમાં સુપ્રીમ કોર્ટે સંસદના સભ્યો અને ધારાસભાના સભ્યો વિરુદ્ધ ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે ઘણા નિર્દેશો જારી કર્યા છે. જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડ સાથે જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને મનોજ મિશ્રાની બેન્ચે આદેશ આપ્યો હતો કે, “હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોએ સાંસદો/ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસોની દેખરેખ રાખવા માટે વિશેષ બેન્ચ દ્વારા સુઓ મોટો કેસની સુનાવણી કરવી જોઈએ. આવા કેસો માટે વિશેષ બેન્ચની રચના કરવામાં આવશે અને આ વિશેષ બેંચનું નેતૃત્વ મુખ્ય ન્યાયાધીશ પોતે કરશે.

અરજદાર દ્વારા વર્તમાન છ વર્ષનો પ્રતિબંધ હટાવીને આજીવન પ્રતિબંધ લગાવવાની માંગ

કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, “મૃત્યુદંડની સજાને પાત્ર હોય તેવા સાંસદો/ધારાસભ્યો સામેના કેસોને અન્ય કેસો કરતાં વધુ પ્રાથમિકતા આપવી જોઈએ અને સંબંધિત પ્રિન્સિપલ સેશન્સ જજે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવા કેસોની ટ્રાયલ માટે પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ રહે.” કોર્ટે ગુરુવારે આ અરજી પર નિર્ણય લીધો ન હતો પરંતુ માત્ર કેસોના ઝડપી નિકાલ માટે નિર્દેશો આપ્યા હતા. જ્યારે સાંસદો અને ધારાસભ્યો પર આજીવન પ્રતિબંધ માટેની અરજી પછીથી ધ્યાનમાં લેવામાં આવશે. કેસમાં અરજદાર અશ્વિનીકુમાર ઉપાધ્યાયે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (RP એક્ટ) ની કલમ 8(3) હેઠળ છ વર્ષનો પ્રતિબંધ હટાવવા અને તેને આજીવન પ્રતિબંધ સાથે બદલવાની માંગ કરી છે.

આ પણ જુઓ :SCને વધુ 3 નવા ન્યાયાધીશો મળશે, કોલેજિયમે 3 મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી

Back to top button