ગુજરાતીઓ વિરૂદ્ધ નિવેદન: તેજસ્વી યાદવ સામે કેસ નહીં ચલાવવા સુપ્રીમ કોર્ટનો નિર્ણય
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને તેમના ‘ગુજરાતી ઠગ‘ના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેજસ્વીની માફી સ્વીકારી લીધી છે. અને આ કેસમાં ફોજદારી ફરિયાદ રદ કરાઈ છે. હવે અમદાવાદ કોર્ટમાં ટ્રાયલ નહીં ચાલે. અગાઉ 5 ફેબ્રુઆરીએ જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી કરી હતી અને નિર્ણય અનામત રાખ્યો હતો.
Supreme Court quashes a criminal defamation complaint filed against Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav over his alleged offensive remarks against the natives of Gujarat
— ANI (@ANI) February 13, 2024
જસ્ટિસ અભય એસ ઓકાની આગેવાની હેઠળની બેન્ચે આરજેડી નેતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતની નોંધ લીધી હતી કે તેજસ્વી યાદવે તેમની ટિપ્પણીઓ પાછી ખેંચી લેતા ચોક્કસ સોગંદનામું દાખલ કર્યું હતું.
તેજસ્વીએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી
ગયા વર્ષે માર્ચ મહિનામાં તેજસ્વીએ ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારપછી તેની સામે ગુજરાત કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેજસ્વી યાદવે આ કેસને ગુજરાત બહાર ખાસ કરીને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે 22 માર્ચ 2023માં એક પ્રેસ ક્રોન્ફરન્સમાં કહ્યું હતું, આજના સમયમાં ગુજરાતી જ ઠગ બની શકે છે. આવા ઠગને માફ કરવા ન જોઈએ. જો તે LIC અને બેંકને લગતા પૈસાની ઓફર કર્યા બાદ દેશ છોડીને ભાગી જાય છે તો તેના માટે કોણ જવાબદાર રહેશે? અમદાવાદના રહેવાસી હરેશ મહેતાએ તેજસ્વીના નિવેદન સામે ગુજરાતમાં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને ગુજરાતની બહાર દિલ્હી અથવા પટનામાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: ‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદન પર તેજસ્વી યાદવે ફરી સુપ્રીમ કોર્ટમાં માંગી માફી