સુપ્રીમ કોર્ટે PFI પરના પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી
નવી દિલ્હી:પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના પ્રતિબંધને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. પીએફઆઈએ અરજીમાં તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ માટે હાઈકોર્ટ જવાની સલાહ આપી. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ મામલો પહેલા હાઈકોર્ટમાં જવો જોઈતો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા’ (PFI) પર લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA) ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે કહ્યું કે પીએફઆઈ માટે ટ્રિબ્યુનલના આદેશ સામે પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. પીએફઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કોર્ટના મત સાથે સહમત થયા કે સંસ્થાએ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ અને પછી સુપ્રીમ તરફ જવું જોઈએ. આ પછી બેન્ચે અરજી ફગાવી દીધી, પરંતુ PFIને હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી છે.
નોંંધનીય છે કે, PFIએ તેની અરજીમાં UAPA ટ્રિબ્યુનલના 21 માર્ચના આદેશને પડકાર્યો હતો. અગાઉ 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ, ગૃહ મંત્રાલયે PFI અને તેના 8 સહયોગીઓ પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. PFI પર ઈસ્લામિક સ્ટેટ (IS) જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાનો આરોપ છે.
આ પણ વાંચો: PFI સામે NIAની કાર્યવાહી, ઉત્તર પ્રદેશ સહિત લગભગ એક ડઝન જગ્યાએ દરોડા