સુપ્રીમ કોર્ટે મંગળવારે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વળતર વધારવાની માંગ કરતી કેન્દ્રની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, યુનિયન કાર્બાઇડ સાથે જોડાયેલા આ કેસમાં 2010માં જ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં જ આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો : સરકારે 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવા Adani World School, RSSની વિદ્યા મંદિરો સહિત 18 સંસ્થાઓ સાથે કરાર કર્યો
શું હતી કેન્દ્ર સરકારની માંગ?
કેન્દ્ર સરકારે તેની અરજીમાં કહ્યું હતું કે 1989માં જ્યારે સુપ્રીમ કોર્ટે વળતર નક્કી કર્યું ત્યારે 2.05 લાખ પીડિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ વર્ષોમાં ગેસ પીડિતોની સંખ્યા અઢી ગણી વધીને 5.74 લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં નુકસાન પણ વધવું જોઈએ. જો સુપ્રીમ કોર્ટ વળતર વધારવા માટે સંમત થશે તો ભોપાલના હજારો ગેસ પીડિતોને પણ તેનો લાભ મળશે.
શું છે સમગ્ર મામલો?
મામલો એ છે કે ભોપાલમાં 2-3 ડિસેમ્બરની રાત્રે યુનિયન કાર્બાઇડ (હવે ડાઉ કેમિકલ)ની ફેક્ટરીમાંથી મિથાઈલ આઈસોસાયનેટ (MIC) ગેસનું લીકેજ થયું હતું. જેના કારણે સેંકડો લોકોના મોત થયા હતા. દુર્ઘટનાના 39 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ કે કૌલની બંધારણીય બેંચે 1989માં નિર્ધારિત 725 કરોડ રૂપિયાના વળતર ઉપરાંત 675.96 કરોડ રૂપિયાના વળતરની અરજી પર આ નિર્ણય આપ્યો છે. આ અરજી કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર 2010માં દાખલ કરવામાં આવી હતી અને 12 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. આ પહેલા ડાઉ કેમિકલ્સે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તે એક રૂપિયો પણ વધુ ચૂકવવા તૈયાર નથી.