ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સોપો પડી ગયો, સુપ્રિટેન્ડેન્ટ અને પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયા


- વ્યવસાય માટે 7.74 લાખની લોન અરજી મુકી હતી
- લાંચની રકમ સ્વીકારતાં પટ્ટાવાળાને ઝડપી લેવાયો
- અરજી મંજુર કરવા માટે રૂપિયા 4200ની લાંચ માગી
ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વ્યવસાયના હેતુથી ઇકો કાર ખરીદવા સંબંધે મુકેલી રૂપિયા 7.74 લાખની લોનની અરજી પાસ કરવા માટે રૂપિયા 4,200ની રોકડ રકમ લાંચ તરીકે સ્વીકારતા ઉદ્યોગ કન્દ્રના પટ્ટાવાળાને એસીબી દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
ઇકો કાર ખરીદવા માટે લોન અપાવવા અરજી કરવામાં આવી
લાંચની રકમ લેવા માટે કચેરીના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સહમતી આપવામાં આવી હોવાથી તેની સામે પણ ગુનો દાખલ કરી બન્નેને હિરાસતમાં લેવાયા હતાં.એસીબીની સક્સેસ રેડના પગલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં રીતસર સોપો પડી ગયો હતો. આ સંબંધે એસીબીના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે સેક્ટર 11માં આવેલા સહયોગ સંકુલમાં બેસતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ફરિયાદી દ્વારા ઇકો કાર ખરીદવા માટે લોન અપાવવા અરજી કરવામાં આવી હતી.
બિલ્ડીંગના કમ્પાઉન્ડના પાર્કિગમાં લાંચ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યો
દરમિયાન કચેરી સુપ્રિટેન્ડેન્ટના પટ્ટાવાળા પવણભાઇ મણીલાલ શ્રીમાળી દ્વારા અરજી મંજુર કરવા માટે રૂપિયા 4200ની લાંચ માગી હતી. તેમાં કચેરી સુપ્રિટેન્ડેન્ટ અને ઇન્ચાર્જ મદદનીશ કમિશનર મૌલિકભાઇ મહેન્દ્રભાઇ પટેલે સહમતી દર્શાવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી એસીબી, ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે છટકું ગોઠવવામાં આવ્યુ હતું. પટ્ટાવાળાને એમએસ બિલ્ડીંગના કમ્પાઉન્ડના પાર્કિગમાં લાંચ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યો હતો.