Super women syndrome: ક્યાંક તમે તો નથી પીડાતા ને આ બિમારીથી?
- પરફેક્ટ બનવાની લ્હાયમાં મહિલાઓ બને છે આ સિન્ડ્રોમનો શિકાર
- તમે દરેકને ખુશ ન રાખી શકો તે હંમેશા યાદ રાખો
- ના કહેવાની આદત પાડશો તો સ્ટ્રેસ નહીં અનુભવાય
એક મહિલા રોજ પોતાની લાઇફમાં ક્યારેક એક માતા, તો ક્યારેક એક પત્ની, ક્યારેક વહુ તો ક્યારેક દિકરી જેવા ઘણા પાત્રો ભજવતી હોય છે. આમ કરતા કરતા તે પોતાના માટે નક્કી કરાયેલી તમામ જવાબદારીઓને પરફેક્શન સાથે પુર્ણ કરવાની કોશિશ કરતી રહે છે. ઘણી વખત દરેક પાત્ર સારી રીતે ભજવી શકવાની લ્હાયમાં તે થાકીને ચકનાચૂર પણ થઇ જાય છે.
જ્યારે કામકાજ કે ભાગદોડમાં ફસાયેલી મહિલાઓ કોઇ કામને સારી રીતે કરી શકતી નથી અથવા તો પોતાના લક્ષ્યોને પુર્ણ કરી શકતી નથી ત્યારે તે ‘સુપર વુમન સિન્ડ્રોમ’નો શિકાર બની જાય છે. આ એક પ્રકારની માનસિક તાણ છે. જે પરફેક્ટ બનવાની હોડમાં લાગેલી મહિલાઓમાં જોવા મળે છે. પોતાને પરફેક્ટ સાબિત કરવાના ઝનુનમાં ધીમે ધીમે મહિલાઓ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.
શું છે ‘સુપર વુમન સિન્ડ્રોમ’?
આ એક પ્રકારનું ડિપ્રેશન છે. આ સિન્ડ્રોમ એવી મહિલાઓમાં જોવા મળે છે જે દરેક જગ્યાએ પરફેક્ટ દેખાવા કે બનવા ઇચ્છે છે. આમ ન કરી શકવાના કારણે તેને ગિલ્ટી ફીલ થાય છે. ઘર પરિવારની સાથે સાથે ઓફિસ અને સોશિયલ લાઇપ સાથે જોડાયેલી જવાબદારીઓને સારી રીતે નિભાવવાની લત ઘણી વખત મહિલાઓને ‘સુપર વુમન સિન્ડ્રોમ’નો શિકાર બનાવી દે છે. મહિલાઓ જ્યારે કોઇ જવાબદારીને નિભાવતી વખતે જો કોઇ જગ્યાએ પરફેક્શન ચુકી જાય છે તો તે ખુદને દોષી માનવા લાગે છે. એટલું જ નહીં, પરફેક્ટ બનવાની હોડમાં તે ક્યારેક ક્યારેક ડિપ્રેશનનો શિકાર પણ બની જાય છે.
સુપર વુમન સિન્ડ્રોમના લક્ષણો
વધુ પડતો થાક અનુભવવો
દરેક નિષ્ફળતા માટે ખુદને દોષી માનવા
અનિંદ્રા અને ઉંઘની ગરબડ
વારંવાર માથાનો દુખાવો કે માઇગ્રેન
ચિંતા અને સ્ટ્રેસમાં રહેવુ
ફોકસ કરવામાં અને નિર્ણયો લેવામાં પરેશાની આવવી
આરામ કરવા અને નવરાશનો આનંદ લેવામાં અસમર્થતા
કામના ચક્કરમાં ખુદ પર ધ્યાન ન આપવુ
દરેક મહિલાઓ આટલુ ધ્યાન રાખો
- દરેક જવાબદારીઓની વચ્ચે પોતાના માટે સમય ફાળવો
- ઘર-પરિવાર અને ઓફિસની જવાબદારીઓને ભારરૂપ ન લાગવા દો
- તમે દરેક સમયે દરેક વ્યક્તિને ખુશ નહીં જ રાખી શકો, ના કહેતા શીખો
- ના કહેવાની આદત પડી જશે તો તમને વર્કલોડ અને તણાવ નહીં અનુભવાય
- તમારે દરેક કામ જાતે કરવાની જરૂર નથી, તમારી સપોર્ટ સિસ્ટમ તૈયાર કરો.
- તમારા જીવનની પ્રાયોરિટીઝ નક્કી કરો. કોઇ પણ વ્યક્તિ બધા કામ એકસાથે ન કરી શકે.
- તમને સંતોષ અને આરામ આપતી પ્રવૃત્તિઓ કરો.
આ પણ વાંચોઃ Gujarat : ખાટા લીંબુ કડવા લાગશે, આસમાને પહોંચ્યા લીંબુના ભાવ !