સની દેઓલ અને શત્રુઘ્ન સિંહા સંસદમાં ખામોશ ! આ 9 સાંસદો ગૃહમાં નથી બોલ્યા એક શબ્દ
13 ફેબ્રુઆરી, 2024: સંસદનું બજેટ સત્ર પૂરું થતાંની સાથે જ 17મી લોકસભાનું છેલ્લું સત્ર સમાપ્ત થયું. આ દરમિયાન 543 સાંસદોમાંથી 9 એવા સાંસદો હતા જેઓ સંસદની કાર્યવાહીમાં એક પણ શબ્દ બોલ્યા ન હતા. આ સાંસદોમાં સની દેઓલથી લઈને શત્રુઘ્ન સિન્હા સુધીના કુલ 9 સાંસદો છે જે ગૃહમાં મૌન રહ્યા હતા.
પહેલું નામ સની દેઓલનું છે, જે બોલિવૂડ એક્ટર હોવા ઉપરાંત પંજાબથી ભાજપના સાંસદ પણ છે. સની દેઓલ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં એક પણ શબ્દ બોલ્યો ન હતો અને મૌન રહ્યો હતો. આ ઉપરાંત આસામના બીજેપી સાંસદ પ્રદાન બરુઆ પણ આ સાંસદોમાંના એક છે.
સની દેઓલ અને પ્રદાન બરુઆએ કોઈપણ સંબોધન કે ચર્ચામાં ભાગ લીધો ન હતો. જો કે, બંનેએ ચોક્કસપણે લેખિતમાં તેમની ભાગીદારી દર્શાવી અને લેખિત પ્રશ્નો આપ્યા. આ સિવાય સંસદમાં ત્રણ સાંસદો એવા હતા જેમણે લેખિત કે મૌખિક કોઈપણ સ્વરૂપે પોતાની ભાગીદારી નોંધાવી ન હતી.
આ લિસ્ટમાં આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહા, યુપીના બસપાના સાંસદ અતુલ રાય અને કર્ણાટકના બીજેપી સાંસદ રમેશ સી જીગજીગાનીના નામ પણ સામેલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ 2022માં આસનસોલ પેટાચૂંટણીમાં શત્રુઘ્ન સિંહા ચૂંટાયા હતા.
લોકસભા ચૂંટણી જીત્યા પછી અતુલ રાય એક અપરાધિક કેસમાં જેલમાં ગયા, જ્યાંથી ઓગસ્ટ 2023ના મહિનામાં ચાર વર્ષ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. આ સિવાય જીગજીગાની નાદુરસ્ત તબિયતના કારણે ગૃહની કાર્યવાહીમાં સક્રિય રહી શક્યા ન હતા.