ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સે રચ્યો ઈતિહાસ! ત્રીજી વખત અંતરીક્ષમાં ભરી ઉડાન
- 58 વર્ષીય સુનિતા વિલિયમ્સે અંતરીક્ષમાં પરીક્ષણ મિશન પર નવું અવકાશયાન ઉડાવનારી પ્રથમ મહિલા બનીને પણ ઈતિહાસ રચ્યો
હ્યુસ્ટન, 6 જૂન: ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. સુનીતા વિલિયમ્સે બુધવારે અન્ય એક સહકર્મી સાથે ત્રીજી વખત અંતરીક્ષમાં ઉડાન ભરી છે. આ સાથે બંને અવકાશયાત્રીએ બોઈંગ કંપનીના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ સભ્ય બન્યા છે. વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઘણા વિલંબ પછી ઉપડ્યું. 58 વર્ષીય સુનિતા વિલિયમ્સે અંતરીક્ષમાં પરીક્ષણ મિશન પર નવું અવકાશયાન ઉડાવનાર પ્રથમ મહિલા બનીને પણ ઈતિહાસ રચ્યો છે.
Starliner to the stars! ✨
At 10:52am ET, @BoeingSpace #Starliner lifted off on a @ULALaunch Atlas V for the first time with @NASA_Astronauts aboard. This Crew Flight Test aims to certify the spacecraft for routine space travel to and from the @Space_Station. pic.twitter.com/WDQKOrE5B6
— NASA (@NASA) June 5, 2024
બોઇંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ (CFT) નામનું આ મિશન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નિયમિત ક્રૂ ફ્લાઇટ્સ માટે સ્ટારલાઇનરને પ્રમાણિત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. જો આ મિશન સફળ થશે, તો તે SpaceXના ક્રૂ ડ્રેગન પછી સ્ટારલાઈનરને અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં લેબમાં લઈ જવા માટેનું બીજું ખાનગી અવકાશયાન બનાવશે.
ક્યારે પાછા આવશે?
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની સફરમાં 25 કલાકનો સમય લાગશે. તેઓ ગુરુવારે અવકાશયાન સ્પેસ સ્ટેશન પર પહોંચશે. બંને અંતરીક્ષમાં ફરતી પ્રયોગશાળામાં એક સપ્તાહ કરતાં વધુ સમય રહીને તે બાદ 14 જૂનના રોજ પરત આવવા માટે પશ્ચિમ અમેરિકાના એક દૂરના રણમાં ઉતરાણ કરવા માટે સ્ટારલાઇનર અવકાશયાનને રીબોર્ડિંગ કરશે.
સુનિતા વિલિયમ્સનો અનુભવ
નાસાએ 1988માં સુનીતા વિલિયમ્સની અવકાશયાત્રી તરીકે પસંદગી કરી હતી અને તેમની પાસે બે અંતરીક્ષ મિશનનો અનુભવ છે. તેમણે એક્સપિડિશન 32ના ફ્લાઈટ એન્જિનિયર અને એક્સપિડિશન 33ના કમાન્ડર તરીકે સેવા આપી હતી.
સુનીતાની પહેલી યાત્રા
વિલિયમ્સે એક્સપિડિશન 14/15 દરમિયાન 9 ડિસેમ્બર, 2006ના રોજ STS-116 ક્રૂ સાથે ઉડાન ભરી હતી અને 11 ડિસેમ્બર, 2006ના રોજ આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર પહોંચ્યા હતા. તેણીની પ્રથમ અંતરીક્ષ ઉડાનમાં, તેણીએ કુલ 29 કલાક અને 17 મિનિટ સુધી અંતરીક્ષમાં ચાર વખત ચાલીને મહિલાઓ માટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી અવકાશયાત્રી પેગી વ્હીટસને 2008માં કુલ પાંચ વખત અંતરીક્ષમાં ચાલીને આ રેકોર્ડ તોડ્યો હતો.
સુનીતાની બીજી મુલાકાત
એક્સપિડિશન 32/33માં, વિલિયમ્સે રશિયન સોયુઝ કમાન્ડર યુરી મેલેન્ચેન્કો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના ફ્લાઇટ એન્જિનિયર અકિહિકો હોશીદે સાથે કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોનથી 14 જુલાઈ, 2012ના રોજ અંતરીક્ષમાં ઉડાન ભરી હતી. તે સમયે, વિલિયમ્સે પ્રયોગશાળામાં પરિભ્રમણ કરતી વખતે સંશોધન અને તપાસ કરવામાં ચાર મહિના ગાળ્યા હતા. તે 127 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા બાદ 18 નવેમ્બર 2012ના રોજ કઝાકિસ્તાન પહોંચી હતી. તેમના મિશન દરમિયાન, વિલિયમ્સ અને હોશિડે ત્રણ સ્પેસવોક કર્યા અને સ્ટેશનના રેડિયેટરમાંથી એમોનિયા લીકનું સમારકામ કર્યું. 50 કલાક અને 40 મિનિટના સ્પેસવોક સાથે, વિલિયમ્સે ફરી એકવાર મહિલા અવકાશયાત્રી દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો.
સુનિતા વિલિયમ્સનો જન્મ ઓહિયોના યુક્લિડમાં ભારતીય-અમેરિકન ન્યુરોએનાટોમિસ્ટ દીપક પંડ્યા અને સ્લોવેનિયન-અમેરિકન ઉર્સુલિન બોની પંડ્યાને ત્યાં થયો હતો. તેમણે US નેવલ એકેડેમીમાંથી ભૌતિકશાસ્ત્રની ડિગ્રી અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી છે.
આ પણ જુઓ: આનંદ મહિન્દ્રાએ પોતે જ પોતાના રહસ્યનો કર્યો ખુલાસો, કહ્યું- કયા સ્પેસ સ્ટાર્ટઅપમાં કર્યું છે રોકાણ