IPL-2024વિશેષસ્પોર્ટસ

‘તેમને દંડિત કરો’: ઈંગ્લીશ ખેલાડીઓ પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર

Text To Speech

12 મે, મુંબઈ: હાલમાં ચાલી રહેલી IPL 2024 પૂરી થયાના તુરંત બાદ જ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ શરુ થવાનો છે. આ માટે ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડે IPLના પ્લેઓફ્સમાં રમનારા પોતાના ખેલાડીઓને પરત બોલાવી લેવાનો નિર્ણય લીધો છે. તેના પર પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘તેમને દંડિત કરો!’

મુંબઈના એક જાણીતા બપોરના અખબાર માટે પોતાની કોલમમાં સુનીલ ગાવસ્કરે લખ્યું છે કે, ‘હું એ બાબતે સહમત છું કે કોઇપણ વસ્તુ પહેલાં દેશ આવે છે, પરંતુ જ્યારે એ ખેલાડીઓએ વિવિધ ફ્રેન્ચાઇઝીઓને વચન આપ્યું હતું કે તેઓ સંપૂર્ણ સિઝન માટે અવેલેબલ છે અને હવે તેઓ પ્લેઓફ્સ રમ્યા વગર દેશ પરત જવાનો નિર્ણય લઇ રહ્યા છે તો તેમને દંડિત કરો!’

ગાવસ્કરનું મંતવ્ય છે કે આ ઈંગ્લીશ ખેલાડીઓ જો પ્લેઓફ્સ રમ્યા વગર જ પોતાના દેશ પરત થઇ જાય તો તેમને આપવામાં આવનારી રકમમાં નોંધપાત્ર કપાત મૂકવી જોઈએ, એટલું જ નહીં એમના બોર્ડને જે પ્લેયરની રકમના 10% કમિશન આપવામાં આવે છે તે પણ ન આપવામાં આવે. ગાવસ્કરે આ પ્રકારે વચન આપ્યા છતાં ટુર્નામેન્ટ પૂરી ન કરતા ખેલાડીઓ અને તેમના બોર્ડને જવાબદાર ગણીને આકરા પગલાં લેવાની વકીલાત પણ કરી છે.

પોતાની દલીલ આગળ વધારતા લખ્યું છે, ‘જો બોર્ડ પોતાના અગાઉના વચનથી પીછેહઠ કરે તો તેમના પર પણ દંડ લગાવવો જોઈએ. જે તે ખેલાડીના બોર્ડને 10 ટકા કમિશન આપવાનો રીવાજ કોઈ અન્ય લીગમાં છે? તો તેનો જવાબ છે ના. શું BCCIને તેના આ સારા વલણના બદલામાં કોઈ બોર્ડ ધન્યવાદ ક્યારેય આપે છે? બિલકુલ નહીં.’

થોડા દિવસ અગાઉ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પોતાના બોર્ડને સૂચન કર્યું હતું કે આવનારા T20 વર્લ્ડ કપની તૈયારી સારી રીતે કરી શકાય તે માટે IPLમાં રમી રહેલા ઈંગ્લીશ ક્રિકેટરોને વહેલા દેશ પરત બોલાવી લેવામાં આવે. ત્યારબાદ ECBએ પોતાનું વલણ આ મામલે સ્પષ્ટ કરી દીધું હતું.

IPL ફ્રેન્ચાઈઝીઓના કહેવા પર BCCI ECBને પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવાની વિનંતી પણ કરી ચુક્યું છે પરંતુ હજી સુધી આ અંગે કોઈજ સ્પષ્ટતા સામે નથી આવી. આથી ફ્રેન્ચાઈઝીઓ ગૂંચવાડામાં છે કે તેમણે પ્લેઓફ્સમાં કેવી રીતે ઉતરવું. જોસ બટલર ખુદ રાજસ્થાનમાંથી રમે છે જેના પ્લેઓફ્સમાં આવવાના પૂરી શક્યતાઓ છે.

Back to top button