
5 જૂન, કોલકાતા: ભારતના ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ પોતાની છેલ્લી મેચ અંગે ઉભી થયેલી હાઈપને ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત આવતીકાલે પોતાની આગામી ફૂટબોલ વર્લ્ડ કપ માટેની અતિશય મહત્વની ક્વોલીફાયિંગ મેચ ઓમાન સામે રમવાનું છે.
જો આ મેચ ભારત જીતી જાય છે તો તે પહેલીવાર FIFA World Cupના ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પહોંચી જશે. 2026માં ફૂટબોલ વર્લ્ડ કપ યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં સંયુકતપણે રમાવાનો છે. સુનીલ છેત્રીએ ગયા મહીને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
‘આ મારી કે મારી છેલ્લી મેચની વાત નથી. હું વારંવાર આવું કહી રહ્યો છું. આપણે આ મેચ ખરેખર જીતવાની છે. જો કે તે એટલું સરળ નહીં હોય પરંતુ આપણે તેના માટે તૈયાર છીએ. આપણને જબરદસ્ત સમર્થન પણ મળવાનું છે.’ સુનીલ છેત્રીએ પોતાની છેલ્લી મેચ અંગે ચાલી રહેલી હાઈપને આ રીતે ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો.
છેત્રીએ આગળ જણાવ્યું હતું કે, ‘જો આવતીકાલે આપણે મેચ જીતી જઈશું તો આપણે ક્વોલીફાય થઇ જઈશું અને ત્યારબાદ હું મારી ટીમની દરેક મેચ એક સરસ સૂટ પહેરીને જોઇશ.’
40 વર્ષના થઇ રહેલા સુનીલ છેત્રીને જ્યારે પોતાની નિવૃત્તિ પરત ખેંચવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘બિલકુલ નહીં, મેં મારી ટીમને રમતી જોવા માટે પહેલેથી જ સૂટ એટલા માટે સિવડાવી રાખ્યા છે કારણકે હું તેમને મારા ઘરે બેઠાંબેઠાં રમતા જોવું છું. મેં આમ પણ આ વિશે ઘણુંબધું વિચાર્યું હતું અને પછી જ નિર્ણય લીધો હતો. હું જ્યાં પણ મારી ટીમ જશે ત્યાં તેના ફેન તરીકે મેચ જોવા જઈશ.’
ભારત માટે ઓમાન સામે એટલા માટે જીતવું જરૂરી છે કારણકે તેના આધારે તે આગલા રાઉન્ડમાં ક્વોલીફાય થશે. પરંતુ આ અગાઉ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં ભારત પોતાનાથી નબળી એવી અફઘાનિસ્તાનની ટીમ સામે 1-2થી હારી ગઈ હતી.
આ હારથી ટીમના તમામ ખેલાડીઓ આઘાત પામી ગયા હતા. ટીમને આ આઘાતમાંથી બહાર કાઢવા માટે પણ આ મેચ જીતવી જરૂરી છે. ઓમાનની ટીમ વિશે જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ ઈગોર સ્ટીમેકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘અમારી નજર તેના દરેક ખેલાડી પર છે. તેમની પાસે સારો સ્ટ્રાઈકર નથી અમે પણ સંદેશ વગર રમી રહ્યા છીએ. તેમણે કતાર સામે ખૂબ સુંદર દેખાવ કર્યો છે. પરંતુ મને મારી ટીમના દેખાવ બાબતે શાંતિ છે. આ ફક્ત ફૂટબોલની જ એક રમત છે અને અમે તેને એન્જોય કરીશું. પરિણામ ભગવાનના હાથમાં છે.’