સુમુલ ડેરીથી નારાજ સભાસદોએ દિવાળીના આ દિવસથી દૂધ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી
સુમુલ ડેરી ફરી વિવાદ માં આવી છે. એક સપ્તાહમાં બીજી વખત દૂધ મંડળીના પ્રમુખોની મીટીંગ મળી હતી. જેમાં સમસ્યાનુ નિરાકરણ નહી આવે તો લાભ પાંચમથી દૂધ બંધ કરવાની ચીમકી આપી છે. તેમજ આ મુદ્દે જલ્દી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આંતર રાજ્યથી આવતા દૂધને લઇ સમસ્યા
સુમુલ ડેરી તાપી અને સુરત જીલ્લાની જીવાદોરી સમાન છે. તાપી અને સુરત જીલ્લાના મળી લગભગ 2.50 લાખ સભાસદો આ ડેરી પર નભે છે. પરંતુ હાલ સભાસદો સુમુલ ડેરીથી નારાજ છે. મળતી માહિતી મુજબ કુલ 8 જેટલી માંગને લઇ હાલ આ સભાસદો સુમુલ ડેરીથી નારાજ હોવાનુ સામે આવ્યુ છે. તેમજ સુમુલ ડેરીમાં સુરત-તાપી સિવાય મહારાષ્ટ્રથી પણ દૂધ લેવામાં આવે છે જેના કારણે આંતર રાજ્યથી આવતા દૂધને લઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી હોવાની જાણ થઈ છે. મંડળીના પ્રમુખો ધ્વારા આ સમસ્યાઓને લઇને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે.
બાંહેધરી આપવા છત્તા કોઈ નિરાકરણ નહીં
15 દિવસ પહેલા જ સુરત અને તાપી જીલ્લાના સભાસદો ધ્વારા સુરત સુમુલ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે સુમુલ સંચાલકો દ્વારા આ પશુપાલકોને 7 દિવસમાં બોર્ડની મીટીંગ બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની બાંહેધરી આપવામાં આવી હોવા છત્તા આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નહી આવતા પશુપાલકો ફરીથી રોષે ભરાયા છે અને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
સુમુલ ડેરીમાં અંગ્રેજો જેવું શાસન
દૂધ મંડળીના પ્રમુખો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હાલ સુમુલ ડેરીમાં અંગ્રેજો જેવી સરમુખત્યારશાહી ચાલી રહી છે. તેમજ સુમુલ ડેરીને કોન્ટ્રકટરોના હાથમાં સોંપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે જાગૃતતી ફેલાવતા બેનરો લાગ્યા