ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુદ્ધ સમન્સ ઈસ્યુ થયું, જાણો કેમ ?
ઉત્તર પ્રદેશના બદાઉનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એસડીએમએ જમીન કેસમાં પ્રતિવાદીની સાથે રાજ્યપાલને સમન્સ જારી કર્યા હતા. જેમાં રાજ્યપાલ આનંદીબેન પટેલને 18મી ઓક્ટોબરે એસડીએમ કોર્ટમાં હાજર રહી પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલે રાજભવન સચિવાલયે ડીએમને પત્ર મોકલીને વાંધો ઉઠાવ્યો હતો. ડીએમએ આ અંગે એસડીએમને ચેતવણી આપી છે.
ક્યાં મામલે નોટિસ મોકલવામાં આવી હતી ?
મળતી માહિતી મુજબ, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના લોરા બહારીના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલની એસડીએમ જ્યુડિશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં પીડબલ્યુડી અને અન્યની સાથે રાજ્યપાલને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રહાસે કહ્યું કે તેમની કાકી કાટોરી દેવીની કેટલીક જમીન સંબંધીઓ દ્વારા તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન લેખરાજ નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી.
સરકારે કેટલીક જમીન સંપાદન કરી હતી
આ જમીનનો કેટલોક ભાગ પાછળથી સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યો હતો. આ માટે લેખરાજને 12 લાખ રૂપિયાનું વળતર પણ મળ્યું હતું. બાદમાં ચંદ્રહાસે એસડીએમ જ્યુડિશિયલ કોર્ટમાં દાવો દાખલ કરીને તે જ જમીનના ઠાસરા ખતૌનીમાં પોતાનું નામ નોંધાવવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણીના કેસમાં રાજ્યપાલની સાથે પ્રતિવાદીના નામે સમન્સ મોકલવામાં આવ્યા હતા. રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહે ડીએમને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે આ સમન્સ બંધારણની કલમ 361નું ઉલ્લંઘન છે. આવું પુનરાવર્તન ન કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ડીએમ મનોજ કુમારે આ અંગે એસડીએમને ચેતવણી આપી છે. આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે.