ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની મબલખ આવક
પાલનપુર: બનાસકાંઠાનું વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં છેલ્લાં 15 દિવસથી નવી ઉનાળુ મગફળી ની આવક શરૂ થઈ છે. પ્રથમ દિવસે 300 બોરીની આવક નોંધાઈ હતી જે વધીને હવે સરેરાશ 3500 બોરીએ પહોંચી છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ ભાવ સારો જોવા મળતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી.
સરેરાશ 3500 બોરીની આવક : 1100 થી 1350 રૂપિયા ભાવ બોલાયો
ડીસા પંથકમાં ઉનાળુ સિઝનમાં શકકરટેટી, તડબૂચ તેમજ બાજરીની સાથે સાથે મગફળીનું વાવેતર પણ ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોને પિયત વ્યવસ્થા સારી અને પુરતી મળતાં તેમજ હવામાન અનુકુળ રહેતાં ચાલુ વર્ષે ડીસા પંથકમાં ઉનાળુ મગફળીનો વાવેતર વિસ્તાર વધતા મગફળીનું ઉત્પાદન પણ સારૂ મળી રહ્યું છે. જેથી ડીસા માર્કેટયાર્ડમાં 15 દિવસ પહેલા નવી ઉનાળુ મગફળી ની આવક શરૂ થઈ હતી. ડીસામાં પ્રથમ દિવસે જ 300 થી વધુ બોરીની આવક નોધાઈ હતી. જે અત્યારે સરેરાશ 3500 થી 4000 બોરીની આવક થઈ રહી છે. જ્યારે મગફળીનો પ્રતિ મણ (20 કિલો) મગફળી નો ભાવ 1100 થી 1350 રૂપિયા નોધાયા હતાં.આ અંગે ડીસા માર્કેટયાર્ડ ના સેક્રેટરી એ.એન.જોષી એ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ મગફળી ની આવક ડીસામાં નોંધાય છે તેમજ ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
છેલ્લા પાંચ દિવસમાં મગફળીની કેટલી આવક
તારીખ બોરી
21 જૂન 28632
20 જૂન 40200
18 જૂન 38106
17 જૂન 31113
16 જૂન 25005