ગ્રીષ્મોત્સવ 2022નું સમાપનઃ શિક્ષણ મંત્રીએ કહ્યું – સ્કિલ આધારિત પ્રોગ્રામ્સ માટે 500 કરોડ ફાળવ્યાં છે
અમદાવાદઃ ગ્રીષ્મોત્સવ-2022ના સમાપન સમારંભને સંબોધતા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદ્દષ્ટિને પરિણામે જ ગ્રીષ્મોત્સવ જેવા ઉપક્રમો ઓનલાઇન અને ઓફલાઇન બન્ને માધ્યમથી યોજી શકાય છે અને વીડિયો રેકોર્ડ દ્વારા લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય છે. ગ્રીષ્મોત્સવમાં 6 લાખ બાળકો સહભાગી બન્યા હતા અને 10 લાખ કરતાં વધારે વ્યૂઅરશિપ મળી. ગ્રીષ્મોત્સવ થકી વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવતો વીડિયો જાતે શૂટ કરીને અપલોડ કરવાની સુવિધા મળી છે, એ પ્રશંસનીય છે. ગ્રીષ્મોત્સવની સફળતા પછી શરદોત્સવ શરૂ કરવામાં આવશે.’
નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ધોરણ 1, 2 અને 3માં અંગ્રેજી ભાષા ભણાવવાની અમલવારીની જાહેરાત કરવાની સાથે સાથે શિક્ષણંત્રી જીતુ વાઘાણીએ માતૃભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા આહ્વાન આપ્યું હતું. મંત્રીના હસ્તે પસંદગીના વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા.
મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ‘પ્રધાનમંત્રીએ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો શરૂ કરાયા હતા. તેના કારણે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી શક્યું છે. NMMS (નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ) અંતર્ગત 9થી 10 કરોડ વિદ્યાર્થીઓને લાભ મળી શક્યો છે. ચાર રસ્તા પર રઝળતાં બાળકોને ભણાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સિગ્નલ સ્કૂલના 139 બાળકોને 2022 શાળા પ્રવેશોત્સવમાં નામાંકન આપી એક વર્ષના સમયગાળામાં આ બાળકો મુખ્યધારામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘ખેલ મહાકુંભ તથા 2036ના ઓલમ્પિકમાં સારો દેખાવ કરવા માટે અનંત નેશનલ યુનિવર્સિટીની સાથે પ્રયત્નો કરવામા આવશે. સ્કિલ આધારિત પ્રોગ્રામ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસીથી સ્કીલ અને કૌશલ્યની હાજરી માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, દરેક પ્રતિભાવાન વિદ્યાર્થીને 1.50 લાખ સુધીની સહાય મળી રહે તે માટે સ્ટાર્ટ અપ અને ઇનોવશન પોલિસી 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ 2022 દરમિયાન પણ રાજ્ય સરકાર દ્વારા નવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની માર્ગદર્શક નીતિને પરિણામે આજે શિક્ષણ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો સુધી પહોંચ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ટેકનોલોજીની મદદથી કરવામાં આવેલી આ પ્રતિભાશોધ એક નવીનતમ પગલું છે. કોવિડ મહામારીના સમયમાં GIET અને GCERTએ સાથે મળીને આ અદ્ભુત આયોજન કરીને તેના વીડિયો DIKSHA પોર્ટલના સહયોગથી અપલોડ કરી શકાય તેવી સુવિધા ઊભી કરી છે.’
અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારોહમાં શિક્ષણ વિભાગ અંતર્ગત GIET અમદાવાદ તથા GCERT ગાંધીનગરના ઉપક્રમે ગ્રીષ્મોત્સવ 2022 દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેવી કે, વકૃત્વ સ્પર્ધા, કાવ્યલેખન, બાળ અભિનય, ફિલ્મ મેકિંગ, ડ્રામા વગેરેના વિજેતા બાળકોને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રમાણપત્રો તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્રકલાના વિજેતા, કલા ઉત્સવ રાષ્ટ્રીય ઉત્સવમાં જીતેલા બાળકોનું સન્માન કરવામા આવ્યું હતું. વિદ્યાવાહક, NSP નોડલ, કોર ટીમ, NMMS ટીમ, DIKSHA ટીમના લોકોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. સિગ્નલ સ્કૂલના નાવિન્યપૂર્ણ પ્રયોગ બદલ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વરદ હસ્તે સન્માન કરવામા આવ્યું હતું.
આ GIET પોર્ટલમાં 6થી 7 લોકોની ટીમ કામ કરે છે અને તેઓ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો સુધી ટેક્નોલોજીની મદદથી પહોંચવા માટે પ્રયાસરત છે. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન, AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન, સ્કૂલ બોર્ડના સાશનાધિકારી, કે આર ફાઉન્ડેશનના પ્રતુલ શ્રોફ, પ્રાથમિક શિક્ષણના નિયામક ડૉ એમ. આઈ. જોશી અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.