ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુક્ખુ હિમાચલના CM રહેશે, છ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી બાદ નિરીક્ષક ડીકે શિવકુમારનું એલાન

શિમલા, 29 ફેબ્રુઆરી: હિમાચલમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આજે 29મી ફેબ્રુઆરીની સાંજે હિમાચલ પ્રદેશમાં સરકાર અને ક્રોસ વોટિંગ પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા અને હિમાચલના સીએમ સુખવિંદર સુક્ખુ હાજર રહ્યા. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટી અને ધારાસભ્યો વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ ગયા છે. સુક્ખુ મુખ્યમંત્રી રહેશે. ઑપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. લોકસભાની ચૂંટણી હવે અમારા માટે પ્રાથમિકતા છે.

પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે હિમાચલની રાજ્યસભાની બેઠક ગુમાવી છે તે ખૂબ જ દુઃખદ છે. હિમાચલની રાજ્યસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર હતી. તેમણે કહ્યું કે અમે એક સંકલન સમિતિની રચના કરી છે, જે સરકાર અને પાર્ટી વચ્ચે સંકલનનું કામ કરશે. અમારી પાસે સંપૂર્ણ સંખ્યા છે. આ દરમિયાન પાર્ટીનો મોટો નિર્ણય સંભળાવતા તેમણે કહ્યું કે સુખવિંદર સુક્ખુ હિમાચલના મુખ્યમંત્રી રહેશે.

સુપરવાઈઝર ભૂપેન્દ્ર હુડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે રાજ્યસભાની સીટ કેમ હારી તે અંગે ચર્ચા થઈ હતી. અમે દરેકના મતભેદો દૂર કર્યા છે. હવે અમે લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું. કોર્ડિનેશન કમિટિમાં CM અને દિલ્હીમાંથી એક નામ આપવામાં આવશે. તેમનું કામ એકબીજાની વચ્ચે સર્વસંમતિ સાધવાનું રહેશે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર 5 વર્ષ સુધી ચાલશે. અને સુખવિન્દર સુક્ખુ જ મુખ્યમંત્રી રહેશે. પ્રતિભા સિંહે કહ્યું કે અમને દુઃખ છે કે અમે રાજ્યસભાની સીટ જીતી શક્યા નથી, પરંતુ હવે અમે આજથી જ લોકસભા ચૂંટણી માટે સખત મહેનત શરૂ કરીશું અને તમામ સીટો જીતીશું.

અમારા ધારાસભ્યોની સંખ્યા ઘટાડવાનું ષડયંત્ર: સીએમ સુક્ખુ

સીએમ સુખવિંદર સુક્ખુએ કહ્યું- રાજ્યસભા ચૂંટણી પછી સરકાર પડવાની અફવા ચાલી રહી હતી. સરકારી સત્ર ચાલી રહ્યું હતું તેથી અમારું બજેટ પસાર કરવું પડ્યું. મેં રાજીનામું આપ્યું ન હતું તો પણ રાજીનામાની અફવાએ જોર પકડ્યું હતું. આ એક ષડયંત્ર હતું જેથી અમારા ધારાસભ્યોની સંખ્યાત્મક તાકાત ઓછી થાય. આ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકાર પર સર્જાયેલું રાજકીય સંકટ હવે ટળતું જણાય છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ એકસાથે આવતા જોવા મળ્યા હતા. હમણા હાઈકમાન્ડે કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે. અને ઑપરેશન લોટસને નિષ્ફળ બનાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, લોકસભા ચૂંટણીમાં હિમાચલમાં કોને કેટલી સીટ મળશે.

આ પણ વાંચો: હિમાચલમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો ગેરલાયક જાહેર

Back to top button