ચૂંટણી કમિશનરો તરીકે સુખબીર સિંહ સંધુ-જ્ઞાનેશ કુમારની નિયુક્તિનો દાવો કરીને કોંગ્રેસે અસહમતિ વ્યક્ત કરી
નવી દિલ્હી, 14 માર્ચ: કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની 2 ખાલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પદ માટે સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવી કોંગ્રેસ નેતાએ પસંદગી પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
બંને અમલદારોને ચૂંટણી કમિશનર બનાવવાનો નિર્ણય પીએમ મોદીની આગેવાનીવાળી પેનલ દ્વારા લેવામાં આવ્યો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ હતા. મહત્ત્વનું છે કે, સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર 1988 બેચના રિટાયર્ડ IAS ઓફિસર છે. જ્યારે સંધુ IASના ઉત્તરાખંડ કેડરના છે, જ્યારે કુમાર કેરળ કેડરના છે. સંધુ અગાઉ ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ સહિત મુખ્ય સરકારી હોદ્દા પર રહી ચૂક્યા છે. કુમારે સંસદીય બાબતોના મંત્રાલય અને અમિત શાહના નેતૃત્વ હેઠળના સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી છે.
અધીર રંજન ચૌધરીએ પસંદગી સમિતિને લઈને નિશાન સાધ્યું
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને સામેલ કરવાના કાયદાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. ગયા વર્ષે રજૂ કરાયેલા કાયદાએ મીટિંગને માત્ર “ઔપચારિકતા” સુધી મર્યાદિત કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દિવીર પાંડે, સુખબીર સિંહ, ગંગાધર રાહતના નામ પર ચર્ચા થઈ હતી.
તેમણે આરોપ લગાવ્યો કે મેં પહેલાથી જ શોર્ટલિસ્ટ માટે કહ્યું હતું. મને જે લિસ્ટ આપવામાં આવ્યું હતું તેમાં 212 નામ હતા. એક દિવસમાં આટલા બધા ઉમેદવારોની તપાસ કેવી રીતે થઈ શકે? પછી, મીટિંગ પહેલા મને 6 શોર્ટલિસ્ટ નામો આપવામાં આવ્યા. પેનલે ચૂંટણી કમિશનરનું નામ નક્કી કર્યું છે તેમાં સરકાર બહુમતીમાં છે. આવી સ્થિતિમાં તેઓ જે ઇચ્છે છે તે થાય છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ ચૂંટણી કમિશનરની પસંદગીની આ પ્રક્રિયાને સ્વીકારતા નથી અને માન્યતા આપતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અરુણ ગોયલે ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે આ ઘટનાક્રમથી સીધો સવાલ પેદા થાય છે કે, ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર કોનું દબાણ છે? કોંગ્રેસે પૂછ્યું કે શું અરુણ ગોયલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અથવા સરકાર સાથે કોઈ મતભેદને કારણે આ પગલું ભર્યું છે?
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ ઉશ્કેરણીજનક ભાષણ આપનારા નેતાઓને આપશે નોટિસ