નવી દિલ્હી, 23 માર્ચ : તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. સુકેશે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘હું તેનો પર્દાફાશ કરીશ, હું કેજરીવાલ અને તેની ટીમ વિરુદ્ધ સરકારી સાક્ષી બનીશ. હું સુનિશ્ચિત કરીશ કે તેને સજા થાય’. કોર્ટે શુક્રવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કથિત દારૂ નીતિ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે.
‘તિહાર જેલમાં આપનું સ્વાગત છે’
કેજરીવાલની ધરપકડ બાદ ઠગ સુકેશ ચંદ્રશેખરે તેમને પત્ર લખ્યો હતો. જેના દ્વારા સુકેશે કટાક્ષ કરતા કહ્યું કે હું તેમનું (કેજરીવાલ) તિહાર જેલની ક્લબમાં સ્વાગત કરું છું. સુકેશે પત્રમાં લખ્યું- સત્યની હંમેશા જીત થાય છે. મારા પ્રિય અરવિંદ કેજરીવાલ, સૌ પ્રથમ હું તમારું સ્વાગત કરું છું. તમે તિહાર ક્લબના ‘બોસ’ છો. ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવશે.
‘ભગવાન રામે તમને સજા કરી’
સુકેશે પોતાના પત્રમાં કહ્યું કે નવા ભારતની શક્તિનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જે દર્શાવે છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. તમે અને તમારા ભાઈઓએ દિલ્હીની જનતાને છેતર્યા છે. ભગવાન રામે તમને તમારા ભ્રષ્ટાચાર અને કાર્યોની સજા આપી છે. ઉપરવાળા બધું જુએ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ગુરુવારે રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, એજન્સીએ કેજરીવાલને નવ સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ એક પણ વખત એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.